
મહેસાણા, 27 મે (હિ.સ.) રોડ સેફટી જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા આરટીઓ વિભાગ દ્વારા ટેસ્ટ ટ્રેક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા અરજદારોને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી તેમજ રોડ સેફટી સંબંધિત પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન આરટીઓ ટીમના અધિકારીઓએ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું મહત્વ સમજાવ્યું હતું. ખાસ કરીને હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ, નશાની હાલતમાં વાહન ન ચલાવવું, વધુ ઝડપથી વાહન ન હંકારવું તેમજ ટ્રાફિક સિગ્નલોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અરજદારોને સમજાવવામાં આવ્યું હતું કે માર્ગ અકસ્માતો અટકાવવા માટે દરેક નાગરિકની જવાબદારી મહત્વપૂર્ણ છે. સુરક્ષિત ડ્રાઇવિંગથી પોતાનું તેમજ અન્ય લોકોનું જીવન બચાવી શકાય છે.
આરટીઓ વિભાગ દ્વારા આપવામાં આવેલા પેમ્પલેટમાં માર્ગ સલામતીના નિયમો, ટ્રાફિક ચિહ્નો અને અકસ્માત નિવારણ અંગેની માહિતી સમાવાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનો અને નવા વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવી સુરક્ષિત માર્ગ વ્યવહારને પ્રોત્સાહન આપવાનો હતો.
મહેસાણા આરટીઓ ટીમના આ પ્રયાસને અરજદારો દ્વારા વખાણવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR