
સેલવાસ, 27 મે (હિ.સ.) : દાનહના રાંધા ગામે આવેલી નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી એકેડમી સૈનિક સ્કૂલનો ત્રીજો વાર્ષિકોત્સવ સેલવાસ સ્થિત કલા કેન્દ્ર ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક સંદેશોથી ભરપૂર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિવ સ્વરૂપનો મહિમા, પ્રકૃતિનું જતન, નારી સશક્તિકરણ, ભ્રષ્ટાચાર વિરોધી સંદેશ જેવી સામાજિક અને ધાર્મિક રજૂઆતો કરી હતી. સૈન્ય પરેડ અને ગોપુરમ દ્વારા વિદ્યાર્થીઓએ સૈનિક શિસ્તનું પ્રદર્શન કર્યું હતું. અંતમાં દેશના શહીદોની જીવનગાથા અને ભારતના પ્રાચીનથી અર્વાચીન વિકાસની યશોગાથા રજૂ કરવામાં આવી હતી.
સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલે શાળાની સર્વાંગી વિકાસયાત્રા તથા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી વિવિધ સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓ માટે વિશેષ પુરસ્કારોની જાહેરાત કરી હતી.
વિદ્યાભારતીના પ્રદેશ અધ્યક્ષ નીતિનભાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચાર અને શિક્ષણ ક્ષેત્રે તેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિશેષ ઉપસ્થિત વિંગ કમાન્ડર તિવારીએ NDA અને CDS જેવી કારકિર્દી અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપી હતી.
કાર્યક્રમના પ્રમુખ અને નિવૃત્ત NIA ડાયરેક્ટર જનરલ અતુલ કુલકર્ણીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના વ્યક્તિત્વ અંગે અજાણી વાતો સાથે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત અને રાષ્ટ્રસેવાના મૂલ્યો અપનાવવા પ્રેરિત કર્યા હતા. તેમણે સ્કૂલના સ્ટાફ, વિદ્યાર્થીઓની શિસ્ત અને ટૂંકા ગાળામાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર, આચાર્ય, વાઇસ પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha