પ્રાકૃતિક કૃષિ: ઝેરમુક્ત વર્તમાન અને રોગમુક્ત ભવિષ્ય તરફનું મક્કમ કદમ
- પ્રાકૃતિક કૃષિ: વર્તમાનની જરૂરિયાત અને ભવિષ્યની પેઢીની મજબૂત સુરક્ષા. ગાંધીનગર, 27 મે (હિ.સ.) : આજે જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને નવી-નવી બીમારીઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે આપણી કૃષિ પદ્ધતિ પર પુનઃવિચાર કરવો અનિવાર્ય બન્યો છ
પ્રતિકાત્મક તસ્વીર


- પ્રાકૃતિક કૃષિ: વર્તમાનની જરૂરિયાત અને ભવિષ્યની પેઢીની મજબૂત સુરક્ષા.

ગાંધીનગર, 27 મે (હિ.સ.) : આજે જ્યારે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને નવી-નવી બીમારીઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે આપણી કૃષિ પદ્ધતિ પર પુનઃવિચાર કરવો અનિવાર્ય બન્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અતિશય વપરાશે આપણી જમીનને રસહીન અને ઝેરી બનાવી દીધી છે. આવા કપરા સમયમાં ‘પ્રાકૃતિક કૃષિ’ માત્ર એક વૈકલ્પિક ખેતી પદ્ધતિ નથી, પરંતુ આપણા વર્તમાનને સુધારવાની અને ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવાની એક મજબૂત ગેરંટી છે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં 'વધુ ઉત્પાદન' મેળવવાની હોડમાં આપણે ખેતરોમાં કેમિકલ્સનો મારો ચલાવ્યો છે. તેનાથી ટુંકાગાળાનો ફાયદો તો થયો, પરંતુ લોન્ગ ટર્મમાં તેના વિનાશક પરિણામો સામે આવ્યા છે. રાસાયણિક ખાતરોને કારણે જમીનમાં રહેલા અળસિયાં અને ઉપયોગી જીવાણુઓ નાશ પામ્યા છે, જેનાથી જમીન પથ્થર જેવી કડક બની ગઈ છે.

ઉપરાંત આરોગ્ય પર જોખમ વધ્યું છે. કેમિકલયુક્ત અન્ન ખાવાથી કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને કિડની ફેલ્યોર જેવી બીમારીઓ ઘરે-ઘરે પહોંચી ગઈ છે.મોંઘા ખાતરો અને દવાઓને કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાતા જાય છે.પ્રાકૃતિક કૃષિ આ તમામ સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે. આ ખેતી સંપૂર્ણપણે પ્રકૃતિના નિયમો પર આધારિત છે, જેમાં જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન (મલ્ચિંગ) અને બીજામૃત નો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રાકૃતિક કૃષિ એટલે માત્ર આપણા વર્તમાન નહીં પણ ભવિષ્યની પેઢીની પણ મજબૂત સુરક્ષા - આ વિધાન અક્ષરશઃ સત્ય છે. જો આપણે આજે પ્રાકૃતિક કૃષિ તરફ નહીં વળીએ, તો ભવિષ્યની પેઢીને આપણે એક બંજર અને ઝેરી ધરતી વારસામાં આપીશું.

પ્રાકૃતિક ખેતી ભવિષ્યને સુરક્ષિત કરે છે, કેવી રીતે? તે જાણો

1.સમૃદ્ધ અને જીવંત જમીન

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે અને અળસિયાં પુનઃ જીવિત થાય છે. આનાથી જમીનની ફળદ્રુપતા આગામી સેંકડો વર્ષો સુધી જળવાઈ રહેશે. આપણી આવનારી પેઢીને ખેતી કરવા માટે 'મૃત' નહીં પણ 'જીવંત' જમીન મળશે.

2. શુદ્ધ પાણી અને પર્યાવરણની રક્ષા

રાસાયણિક ખેતીમાં વપરાતા ઝેર વહીને ભૂગર્ભ જળમાં ભળે છે, જે પાણીને પ્રદૂષિત કરે છે. પ્રાકૃતિક ખેતીમાં કેમિકલ ન હોવાથી ભૂગર્ભ જળ શુદ્ધ રહે છે. આ ઉપરાંત, આ પદ્ધતિમાં પાણીની જરૂરિયાત 50% થી 60% જેટલી ઓછી રહે છે, જે ભવિષ્યના જળ સંકટ સામે રક્ષણ આપે છે.

3. રોગમુક્ત અને સક્ષમ પેઢી

આપણા બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. જો તેમને બાળપણથી જ ઝેરમુક્ત, પોષણયુક્ત અને સાત્વિક આહાર મળશે, તો તેમનું સ્વાસ્થ્ય મજબૂત બનશે. પ્રાકૃતિક અન્ન રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી ભવિષ્યની પેઢી હોસ્પિટલોના ખર્ચ અને શારીરિક યાતનાઓથી બચી શકશે.

4. આર્થિક આત્મનિર્ભરતા

આ ખેતીમાં બહારથી કોઈ મોંઘી વસ્તુ ખરીદવાની હોતી નથી. ગાયના છાણ અને ગૌમૂત્રથી જ આખી ખેતી થાય છે. શૂન્ય બજેટ આધારિત આ ખેતી ભવિષ્યના ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપશે અને કૃષિને એક નફાકારક વ્યવસાય બનાવશે.

ખેતીના ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો રાસાયણિક કૃષિમાં ખેડૂતોએ બજારમાંથી મોંઘા ખાતરો, હાઇબ્રિડ બિયારણો અને મોંઘી જંતુનાશક દવાઓ ખરીદવી પડે છે, જેના કારણે ખેતીનો ખર્ચ ખૂબ જ ઊંચો જાય છે અને ખેડૂતો આર્થિક બોજ હેઠળ દબાય છે. તેની સામે પ્રાકૃતિક કૃષિ એ સંપૂર્ણપણે 'શૂન્ય બજેટ' આધારિત ખેતી છે. આ પદ્ધતિમાં બહારથી કંઈ જ ખરીદવાનું હોતું નથી, પરંતુ ઘરની દેશી ગાયના છાણ, ગૌમૂત્ર અને વનસ્પતિનો ઉપયોગ કરીને જ દવા અને ખાતર બનાવવામાં આવતા હોવાથી ખેતી ખર્ચ નહિવત થઈ જાય છે.

જમીનની ગુણવત્તા અને પાણીના વપરાશની બાબતમાં પણ બંને વચ્ચે આસમાન-જમીનનો તફાવત છે. રાસાયણિક ખેતીમાં કેમિકલ્સના અતિશય પ્રયોગથી જમીન લાંબા ગાળે બંજર, કડક અને નકામી બની જાય છે, અને આવી જમીનમાં પાક લેવા માટે વધુ પાણીની જરૂર પડે છે. જ્યારે બીજી તરફ, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન અને અળસિયાં વધે છે, જેથી જમીન સતત ફળદ્રુપ, પોચી અને સજીવ બને છે. આ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા અદ્ભુત હોવાથી તેમાં પાણીનો વપરાશ પણ 50% થી 60% જેટલો ઘટી જાય છે.

સૌથી મહત્વની બાબત આપણા સ્વાસ્થ્યની છે. રાસાયણિક પદ્ધતિથી પકવેલું અન્ન એક પ્રકારે 'સ્લો પોઈઝન' એટલે કે ધીમું ઝેર સાબિત થઈ રહ્યું છે, જે માનવ શરીરમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ લાવે છે. તેની સરખામણીએ પ્રાકૃતિક કૃષિ દ્વારા તૈયાર થયેલો આહાર અમૃત સમાન છે. તે સંપૂર્ણપણે ઝેરમુક્ત, પોષક તત્વોથી ભરપૂર અને સાત્વિક હોય છે, જે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણને દીર્ઘાયુ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય બક્ષે છે.

આજે સમય પાકી ગયો છે કે આપણે પૃથ્વીને એક 'ફેક્ટરી' ગણવાનું બંધ કરીએ અને તેને આપણી 'માતા' તરીકે સ્વીકારીએ. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતીને જન-આંદોલન બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

ભવિષ્યની પેઢી આપણને માત્ર એ વાતથી યાદ નહીં રાખે કે આપણે તેમના માટે કેટલી સંપત્તિ છોડી ગયા, પણ એ વાતથી રાખશે કે આપણે તેમના શ્વાસ લેવા માટે શુદ્ધ હવા, પીવા માટે શુદ્ધ પાણી અને ખાવા માટે શુદ્ધ અન્ન રાખ્યું છે કે નહીં. ચાલો, આજે જ પ્રાકૃતિક કૃષિ અપનાવીને 'ધરતી બચાવો, ભવિષ્ય બચાવો' ના સંકલ્પને સાકાર કરીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande