
અમરેલી, 27 મે (હિ.સ.) : અમરેલી એસટી ડેપો ખાતે “ડીઝલ બચત” અને ઈંધણના કાર્યક્ષમ ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય યાંત્રિક ઇજનેર તથા ડેપો મેનેજરની ઉપસ્થિતિમાં ડ્રાઈવર, કંડકટર અને મેકેનિક સાથે વિશેષ ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વધતા ઈંધણ ખર્ચ અને રાષ્ટ્રવ્યાપી ઊર્જા સંરક્ષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને ડીઝલ બચત માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિકારીઓએ વાહન ચલાવતી વખતે અનાવશ્યક એક્સિલરેશન ટાળવું, સમયસર વાહનોનું મેન્ટેનન્સ કરવું, ટાયર પ્રેશર યોગ્ય રાખવું તેમજ વાહન બંધ રાખવાની શિસ્તનું પાલન કરવા જેવી બાબતો પર ખાસ ભાર મૂક્યો હતો. ઉપરાંત એસટી બસોની માઈલેજ સુધારવા માટે ડ્રાઈવર અને મેકેનિક વચ્ચે સંકલન જરૂરી હોવાનું પણ જણાવાયું હતું.
ઓપન હાઉસ દરમિયાન કર્મચારીઓએ પણ પોતાના સૂચનો અને અનુભવો રજૂ કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડીઝલ બચત માત્ર ખર્ચ ઘટાડવાનો વિષય નથી, પરંતુ દેશના ઊર્જા સંસાધનોના સંરક્ષણ સાથે સીધો સંબંધ ધરાવે છે. તમામ કર્મચારીઓને રાષ્ટ્રહિતમાં સક્રિય સહભાગી બની ઈંધણ બચત અભિયાનને સફળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
--------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai