
વલસાડ, 27 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામના રાયણી ચાર રસ્તા વિસ્તારના ભીંગાડી ફળિયામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અન્ય પુરુષ સાથેના સંબંધની શંકાને લઈ થયેલા દામ્પત્ય વિવાદ બાદ એક માતાએ પોતાના જ ત્રણ માસૂમ સંતાનોની નિર્મમ હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. હત્યા બાદ મહિલાએ પોતે પણ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે સરીગામ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, પાલી કરમબેલી ગામમાં રહેતા સંજયભાઈ મહેશભાઈ મંગુભાઈ હળપતિ (ઉં.વ. 28), જે માછીમારી મજૂરીનું કામ કરે છે, તેમના લગ્ન વર્ષ 2020માં મોહનગામ પલાટપાડા ખાતે રહેતી નિશાબેન વસંતભાઈ વારલી (ઉં.વ. 22) સાથે થયા હતા. બંને છેલ્લા પાંચ વર્ષથી પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. દંપતીને સંતાનમાં બે વર્ષીય પુત્રી નાયરા તથા ૯ મહિનાના જોડિયા દીકરાઓ આયંશ અને વિહાન હતા.
માહિતી અનુસાર, સંજયભાઈ તાજેતરમાં માછીમારી કામ પરથી ઘરે પરત ફર્યા હતા. દરમિયાન તેમણે પત્નીનો મોબાઇલ ચેક કરતા અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધ દર્શાવતા મેસેજ અને ફોટા જોવા મળ્યા હતા. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સંજયભાઈએ આ અંગે પત્નીના પરિવારજનોને પણ જાણ કરી હતી અને પત્નીને બાળકો મૂકી જવાની વાત કહી હતી.
આ વિવાદ બાદ રાત્રે પરિવાર સૂઈ ગયો હતો. વહેલી સવારે સંજયભાઈ જાગ્યા ત્યારે પત્ની હાથમાં ફિનાઇલની બોટલ લઈને ઘરમાં ફરતી જોવા મળી હતી. જ્યારે ત્રણેય બાળકોને ઉઠાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ કોઈ હલચલ કરતા ન હતા. પ્રાથમિક માહિતી મુજબ મહિલાએ રાત્રિના સમયે બાળકોના મોઢા દબાવી અથવા ઝેરી પદાર્થ આપીને તેમની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પરિવારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકોને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ સવારે આશરે 7:15 વાગ્યે ત્રણેય માસૂમોને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલમાં આ ઘટનાને લઈને કરુણ માહોલ સર્જાયો હતો.આપાઘાતનો પ્રયાસ કરનાર મહિલાની સાસુએ જણાવ્યું હતું કે, વહુને અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણ થતાં પરિવારમાં વિવાદ ચાલતો હતો. રાત્રે શું બન્યું તેની કોઈને જાણ નહોતી. સવારે બાળકો ન જાગતાં ઘટનાની જાણ થઈ હતી.
સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો દ્વારા પૂછપરછ કરતા મહિલાએ પોતાનું કૃત્ય કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમ સંબંધમાં બાળકો નડતરરૂપ બનશે તેવી આશંકાથી તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાલ સરીગામ પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર પંથકમાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha