ગુજરાત સરકાર ઉજવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ: પ્રવક્તા મંત્રી
ગાંધીનગર, 27 મે (હિ.સ.) : પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 12 વર્ષ એ માત્ર શાસનના વર્ષો નથી, પરંતુ ''વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના'' વર્
મંત્રી જીતુભાઈ વાઘાણી


ગાંધીનગર, 27 મે (હિ.સ.) : પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 12 વર્ષ એ માત્ર શાસનના વર્ષો નથી, પરંતુ 'વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' વર્ષો રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે આ ગૌરવશાળી પ્રયાણને એક ઉત્સવ તરીકે ઉજવવા માટે રાજ્યવ્યાપી સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

કેબિનેટ બેઠકમાં થયેલી વિસ્તૃત ચર્ચા બાદ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે ભારત આજે એક વિઝનરી નેતૃત્વ હેઠળ 'વિકસિત ભારત 2047'ના સંકલ્પ સાથે મક્કમતાથી આગળ વધી રહ્યું છે, ત્યારે આ ઉજવણીનો પ્રારંભ આગામી તા. 8 અને 9 જૂનના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીમંડળના મીડિયા સંવાદથી થશે.

ગુજરાત માટે પણ આ ગૌરવની ક્ષણ છે, જેના ભાગરૂપે આગામી તા. 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રીશ્રી અને મંત્રીમંડળના સભ્યો મીડિયાના મિત્રો સાથે રૂબરૂ મુલાકાત કરીને આ 12 વર્ષોમાં થયેલા અભૂતપૂર્વ પરિવર્તન અને વિકાસના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા-સંવાદ કરશે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના પર્યાવરણના જતનના આહવાનને સ્વીકારીને આગામી 5 જૂન - વિશ્વ પર્યાવરણ દિવસના રોજથી રાજ્યભરમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે. આ અંતર્ગત રાજ્યના પ્રત્યેક મંડળ અને તાલુકા સ્તરે શાળાઓ, યુનિવર્સિટીઓ અને સામાજિક સંસ્થાઓના સક્રિય સહયોગથી આશરે 6 કરોડ જેટલા વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ સાથે જ, આગામી તા. 8 થી 14 જૂન દરમિયાન 'પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ' પર વિશેષ ભાર મૂકીને રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વ્યાપક સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે, તેમ તેમણે જણાવ્યું હતું.

મંત્રીએ કહ્યું કે, રાજ્યના નાગરિકોને ઘરઆંગણે સેવાઓ આપવાના ઉદ્દેશ્યથી આગામી 12 થી 20 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં 'સેવા સેતુ'ના સફળ મોડલ પર આધારિત ‘જનકલ્યાણ શિબિરો'નું આયોજન કરાશે. આ શિબિરોમાં આયુષ્માન ભારત, પીએમ સૂર્ય ઘર યોજના, લખપતિ દીદી અને પીએમ સ્વનિધિ જેવી ફ્લેગશિપ યોજનાઓ માટે સ્થળ પર જ રજિસ્ટ્રેશન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

તદુપરાંત, તા. 8 થી 14 જૂન દરમિયાન ‘પ્રગતિપથ યાત્રા’ યોજાશે. આ યાત્રા અંતર્ગત રાજ્યના મોટા વિકાસ પ્રકલ્પો અને સર્વોચ્ચ પ્રાથમિકતા ધરાવતી યોજનાઓના સ્થળોની રૂબરૂ મુલાકાત લેશે. આ અભિયાન દરમિયાન દરેક જિલ્લામાં 3 દિવસ માટે 'મોદી સરકારની ઉપલબ્ધિઓનું પ્રદર્શન' યોજાશે, જેમાં લોકોના સીધા પ્રતિભાવો પણ એકત્રિત કરવામાં આવશે, તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.

મંત્રીએ ઉમેર્યું કે, આ ઉજવણી માત્ર સરકારી સ્તરે મર્યાદિત ન રહેતા એક વ્યાપક જનઆંદોલન બને તે માટે સમાજના પ્રબુદ્ધ વર્ગો જેવા કે ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષણવિદો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે વિશેષ બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકો દ્વારા આદિવાસી, એસ.સી., ઓ.બી.સી., ખેડૂતો અને યુવાનો સહિત સમાજના તમામ વર્ગોમાં એક સકારાત્મક જનજાગૃતિ અને મજબૂત વૈચારિક માળખું ઊભું કરવાનો પ્રયત્ન હાથ ધરાશે.

મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, જમીનની જાળવણી અને નવી પેઢીને ઉત્તમ સ્વાસ્થ્ય આપવા માટે વડાપ્રધાનના મિશન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં વિશેષ ભાર મૂક્યો છે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1,000 થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોની ગેરમાન્યતાઓ દૂર કરવા માટે, જ્યાં સફળ પ્રાકૃતિક ખેતી થાય છે ત્યાં અન્ય ખેડૂતો રૂબરૂ જઈને નિરીક્ષણ કરે તેવી વ્યવસ્થા ગોઠવાશે. કૃષિ પેદાશોના વેચાણ માટે સરકાર દ્વારા જાહેર સ્થળો પર વિશેષ વેચાણ કેન્દ્રો અને ઓનલાઇન માર્કેટીંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની ભવ્ય પૂર્ણાહુતિ આગામી 21 જૂન - આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ દિવસે ગુજરાત યોગ બોર્ડના સહયોગથી પ્રત્યેક તાલુકા મથકોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ આખું અભિયાન 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના પવિત્ર ભાવ સાથે આયોજિત છે. આ માત્ર કોઈ પરંપરાગત ઉજવણી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 12 વર્ષના અવિરત સુશાસન, સેવા અને રાષ્ટ્રનિર્માણના કાર્યોને સાચા અર્થમાં જનસેવાના ભાવ સાથે પ્રજા સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નમ્ર પ્રયાસ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande