
વલસાડ,27 મે (હિ.સ.) વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પારડી પોલીસને મોટી સફળતા મળી છે. દમણ ખાતેથી સુરત તરફ ચોરી છૂપીથી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.માહિતી અનુસાર પારડી પોલીસ સ્ટેશન ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ.પો.કો. મનેષ રમણભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક બ્લુ કલરની હુન્ડાઇ કંપનીની i-10 કારમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે મોજે પારડી નવી મામલતદાર કચેરી આગળ દમણીઝાપા બ્રિજ પાસે નેશનલ હાઈવે નં.48 પર નાકાબંધી ગોઠવી હતી.દરમિયાન પોલીસે શંકાસ્પદ કાર અટકાવી તપાસ કરતા કાર પર લગાવવામાં આવેલ નંબર પ્લેટ ખોટી હોવાનું બહાર આવ્યું હતું. કારનો મૂળ નંબર MP-04-EB-0598 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારની ક્લીનર સીટ, પાછળની સીટ તથા ડીક્કીમાં મીણિયાની થેલીઓમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ 1,008 બોટલ (181.44 લીટર) વિદેશી દારૂ કિંમત રૂ.3,13,200, હુન્ડાઇ i-10 કાર કિંમત રૂ.4 લાખ તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ.7,18,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ મામલે પોલીસે કાર ચાલક જયમીન કમલેશભાઈ કામળી પટેલ, ને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર રાજ શર્મા નામનો શખ્સ હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપી સામે અગાઉ પણ વાપી ટાઉન અને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર કામગીરી અ.હે.કો. કાનજી નારણભાઈ, આ.પો.કો. મનેષ રમણભાઈ, ભરતસિંહ માનસિંહ તથા મયુરસિંહ કનકસિંહે સફળતાપૂર્વક પાર પાડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha