
પોરબંદર, 27 મે (હિ.સ.) : ભાવસિંહજી હોસ્પિટલમાં વ્હીલચેરના અભાવે દર્દીઓ હેરાન પરેશાન બન્યા હતા. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તો અને અશકતોને ટીંગાટોળી કરીને લઇ જવા પડતા હોવાનું બહાર આવ્યુ છે અને રાજ્યસરકારના આરોગ્ય વિભાગને રોષપૂર્ણ રજૂઆત થઇ છે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓની મદદ માટે સતત દોડતા રહેતા સામાજિક અગ્રણી બાબુભાઈ પાંડાવદરાએ કરેલી રજૂઆતમા જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લાની સૌથી મોટી સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ માટે પુરતા પ્રમાણમાં સ્ટ્રેચર અને વ્હીલચેરની વ્યવસ્થા નથી તેથી તેઓ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોવા છતાં ઘાયલ દર્દીઓને અને અશકત લોકોને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઇ જવા માટે ટીંગાટોળી કરવી પડે છે અથવા તેડી લેવા પડે છે. જેના કારણે તેઓના દુઃખાવા અને પીડામાં વધારો થાય છે. માત્ર ત્રણ વ્હીલચેરની વ્યવસ્થા હોવાથી અને તે પણ અલગ અલગ વોર્ડમા મૂકી દેવામાં આવતા હોવાથી જરૂરિયાત સમયે દર્દીઓને મળી શકતા નથી તેના કારણે વધુ કપરી પરિસ્થિતિનું સર્જન થયુ છે.
બાબુભાઇ પાંડાવદરાએ આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વ્હીલચેરની વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya