
અમદાવાદ,27 મે (હિ.સ.) અમદાવાદ શહેરના વ્યસ્ત ગણતા શિવરંજની નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડની પાછળ જમીન વિવાદ મામલે નિવૃત્ત DySP ચૌહાણ દ્વારા અશોકસિંહ ચૌહાણ નામના વ્યક્તિના પગ પાસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સદનસીબે આ ગોળીબારની ઘટનામાં કોઈ પણ વ્યક્તિને જાનહાનિ કે ઈજા થઈ નથી.
નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ જમીન વિવાદ મામલે નિવૃત્ત DySP ચૌહાણ દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચના એસીપી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી એક ઓડી કાર મળી આવી છે.
આ ઉપરાંત, નિવૃત્ત DySP ચૌહાણ દ્વારા જાહેરમાં ગાળાગાળી કરી ફાયરિંગ કર્યાની સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.
આ ઘટનાની ગંભીરતાને જોતાં ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે ટેકનિકલ તેમજ પ્રત્યક્ષ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ