




પોરબંદર, 27 મે (હિ.સ.) : ગુજરાત સરકારની દીર્ઘદ્રષ્ટિ અને ઉદ્યોગ-સાહસિકોને પ્રોત્સાહન આપવાની નીતિઓ આજે રાજ્યના ખૂણે-ખૂણે સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. પોરબંદર જિલ્લાના ભારવાડા ગામમાં કાર્યરત 'અલ્ટ્રા પ્યોર બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ' અને 'અર્બન કોલા પ્રાઇવેટ લિમિટેડ' ના સંચાલક કરશનભાઈ અર્જનભાઈ અમર અને વ્યાવસાયિક પાર્ટનર વેજાભાઈ સુકાભાઈ ઓડેદરાની સફળતા ગાથા સરકારની કલ્યાણકારી યોજનાઓનું જીવંત ઉદાહરણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'લોકલ ફોર વોકલ' અને 'મેક ઇન ઇન્ડિયા' ના આહવાનને ગુજરાતની ધરા પર સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત કટિબદ્ધ રહી છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' (Ease of Doing Business) ને નવું બળ મળ્યું છે, જેના કારણે છેવાડાના નાના ઉદ્યોગ સાહસિકોને પણ વહીવટી અને નાણાકીય અડચણો વગર આગળ વધવાની અમૂલ્ય તક મળી રહી છે.
વર્ષ 2019 માં કોરોના મહામારી પહેલાં એક નાનકડા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના યુનિટથી શરૂ થયેલી આ સફર આજે એક મોટા ઔદ્યોગિક એકમમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આ કાયાપલટ પાછળ રાજ્ય સરકારની 'આત્મનિર્ભર ગુજરાત પોલિસી' એ પાયાની ભૂમિકા ભજવી છે, જે અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) દ્વારા ઉદ્યોગકારોને વ્યાજ સહાય (Interest Subsidy) અને નાણાકીય સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે.
કરશનભાઈ અમર જણાવે છે કે, સરકાર તરફથી મળેલી આ સમયસરની આર્થિક સગવડ અને પ્રોત્સાહનને કારણે વર્ષ 2023 માં પોતાના બિઝનેસને મોટા પાયે વિસ્તારવાનું આયોજન કર્યું. આ નાણાકીય સહાયના પરિણામે, જે વ્યવસાય પહેલાં મર્યાદિત સ્તરે ચાલતો હતો તે આજે 2023 ની સરખામણીએ ૨ થી ૩ ગણો મોટો થઈ ચૂક્યો છે. એટલું જ નહીં, કંપની અત્યારે વાર્ષિક ધોરણે 15% થી 20% નો શાનદાર ગ્રોથ (વિકાસ દર) નોંધાવી રહી છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSMEs) ને જો યોગ્ય સરકારી પીઠબળ મળે, તો તેઓ અર્થતંત્રમાં મોટો ફાળો આપી શકે છે.
સ્થાનિક રોજગારીનું સર્જન અને આર્થિક સ્તરે આત્મનિર્ભરતા વધારવામાં આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે. નાના ઉદ્યોગકારોને મુશ્કેલ સમયમાંથી બહાર લાવી વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બનાવવા બદલ અને આર્થિક રીતે મજબૂત પ્રોત્સાહન પૂરું પાડવા બદલ ઉદ્યોગકારોએ સરકાર તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. સરકારની આવી જ લોકાભિમુખ અને ઉદ્યોગ-મિત્ર નીતિઓ નાની કડીઓને જોડીને 'વિકસિત ગુજરાત' થી 'વિકસિત ભારત' ના સ્વપ્નને સાકાર કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya