
જામનગર, 27 મે (હિ.સ.) : જામનગર બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા વધુ 3 ધંધાર્થીઓ સાથે છેતરપિંડીની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે. દરેડમાં બ્રાસપાર્ટમાં કારખાનું ધરાવતા એક કારખાનેદાર સાથે તેના જ પૂર્વ કર્મચારીએ વેપાર કરવાના બહાને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ માલિક અને બે પેઢી સાથે વેપાર કરી 4.19 કરોડની છેતરપીંડી કરનાર શખ્સો સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામનગરના સુમેર ક્લબ રોડ વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં હાઇટેક એકસ્ટ્રુઝન એલએલપી નામથી બ્રાસના સળીયાના ઉત્પાદન તથા ટ્રેડિંગનો વ્યવસાય કરતા વેપારી વસંતભાઈ વૈકુંઠભાઈ કટારીયા એ આરોપી આનંદ લીલાભાઇ મોઢવાડીયા (એ.એમ.મેટલ ઇન્ડસ્ટ્રીઝ દરેડ જી.આઇ.ડી.સી. પ્લોટ નં.95/3 રે.સ.નં.21/પી, શિવમ પાર્ક શેરી નં.06 તા.જી.જામનગર તથા રહેણાંક માધવબાગ 2/3 સાંઢીયા પુલ પાસે જામનગર) સહિત 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવાયા અનુસાર ફરિયાદીની પેઢીમાં થોડા વર્ષો પહેલાં આનંદ લીલાભાઈ મોઢવાડિયા નામનો વ્યક્તિ કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. બાદમાં તેણે પોતાની અલગ પેઢી શરૂ કરી બ્રાસના માલના વેપાર માટે પૂર્વ માલિક સાથે વ્યવહાર શરૂ કર્યો હતો. શરૂઆતના થોડા સમય માટે વેપારીક સંબંધો બરોબર ચાલ્યા બાદ આરોપીએ ઉધાર વ્યવહાર શરૂ કર્યો હતો અને મોટા પાયે બ્રાસના રોડ અને અન્ય માલની ખરીદી કરી હોવાનું જણાવાયું છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર શરૂઆતમાં કેટલાક વ્યવહારોના પેમેન્ટ નિયમિત આપવામાં આવ્યા હતા, જેના કારણે આરોપી પર વિશ્વાસ બેસ્યો હતો. ત્યારબાદ આરોપીએ અલગ અલગ બિલો હેઠળ કરોડો રૂપિયાનો માલ ખરીદેલો હોવા છતાં બાકી રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વધુમાં આરોપી પાસેથી કુલ રૂ. 3.57 કરોડથી વધુ રકમ લેવાની બાકી નીકળે છે. ઉઘરાણી માટે વેપાર સ્થળ અને રહેણાંક સ્થળે તપાસ કરતાં બંને સ્થળો બંધ મળી આવ્યા હતા. મોબાઇલ નંબર પણ બંધ આવતા વેપારીઓએ સંપર્ક ગુમાવ્યો હતો. આ દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક પૈકીનો એક ચેક બેંકમાં રજૂ કરતા અપુરતા બેલેન્સના કારણે બાઉન્સ થયો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.
વધુમાં અન્ય બે વેપારીઓ જતીન ભગતરામ શાહ અને પ્રકાશ ભગતરામ શાહની પેઢીમાથી કુલ રૂ.61,85,644 નો બ્રાસનો માલ આજ રીતે ખરીદ કરી સાથે પણ સમાન પ્રકારની છેતરપીંડી થયાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ વેપારીક વિશ્વાસ કેળવી વિવિધ પેઢીમાંથી માલ ખરીદી 4.19 કરોડ રૂપિયાની નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. 4. 19 કરોડથી વધુની રકમના વ્યાપારિક નાણાકીય ઉચાપત કરી આરોપી આનંદ મોઢવાડીયા રફુચક્કર થઈ ગયો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt