
અમરેલી, 27 મે (હિ.સ.) : અમરેલી જિલ્લા એસ.ઓ.જી. ટીમે રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન સોર્સની ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીના કબ્જામાં આવેલા ગેરેજમાં દરોડો પાડી સુકા ગાંજાના જથ્થા સહિત કુલ અંદાજિત રૂ. 2,69,600ના મુદ્દામાલનો કબ્જો મેળવ્યો હતો.
માહિતી મુજબ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હલચલ અંગે મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ગેરેજમાંથી પ્રતિબંધિત સુકો ગાંજો મળી આવતા પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પકડાયેલા બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલી એસઓજીની આ કામગીરીથી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai