
વલસાડ, 27 મે (હિ.સ.) દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો તેની વિશ્વપ્રસિદ્ધ હાફૂસ અને કેસર કેરી માટે દેશ-વિદેશમાં આગવું સ્થાન ધરાવે છે. અનુકૂળ હવામાન અને ભૌગોલિક પરિસ્થિતિના કારણે જિલ્લામાં મોટા પાયે આંબાવાડીઓ વિકસિત થઈ છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વિસ્તારમાં આંબાપાકનું વાવેતર વલસાડ જિલ્લામાં થયું હોવાનું સામે આવ્યું છે.જિલ્લાના નાયબ બાગાયત અધિકારી નિકુંજ પટેલના જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં કુલ 39076 હેક્ટર વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. ચાલુ કેરી સિઝનમાં વર્ષ 2025-26 દરમિયાન આશરે 2,14,918 ટન કેરી ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં 30 હજારથી વધુ હેક્ટરમાં કેસર કેરી, 4 હજારથી વધુ હેક્ટરમાં હાફૂસ કેરી તેમજ રાજાપુરી, લંગડો, દશેરી, આમ્રપાલી, તોતાપુરી સહિતની સ્થાનિક જાતોની પણ મોટા પ્રમાણમાં ખેતી થાય છે.પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકા હાફૂસ કેરીના ઉત્પાદન માટે જાણીતા છે, જ્યારે ધરમપુર, કપરાડા અને નાનાપોંઢા વિસ્તારમાં પ્રાકૃતિક પદ્ધતિથી આંબાવાડીઓનો વિશાળ વિકાસ થયો છે.ધરમપુર કેરી માર્કેટ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા કેરી બજારોમાં સ્થાન ધરાવે છે. અહીં સિઝન દરમિયાન 450 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવે છે અને ગુજરાત ઉપરાંત મુંબઈ, ઉત્તરપ્રદેશ તથા મહારાષ્ટ્રના વેપારીઓ પણ વેપાર માટે આવે છે. સ્થાનિક આદિવાસી અને બાગાયતી ખેડૂતો સીધા પોતાના પાકનું વેચાણ કરવા માર્કેટમાં આવે છે, જેના કારણે તેમને સારા અને પોષણક્ષમ ભાવો મળે છે.ધરમપુર માર્કેટમાં કેરીના વેચાણ માટે ખાસ પરંપરાગત પદ્ધતિ અપનાવવામાં આવે છે. ખેડૂત અને વેપારી હાથરૂમાલ નીચે હાથ રાખી ભાવતાલ કરીને સોદો નક્કી કરે છે. ત્યારબાદ હાથ મિલાવી સોદો પૂર્ણ કરવામાં આવે છે.વલસાડ જિલ્લાના ધરમપુર અને વલસાડ APMC મારફતે અમેરિકા, યુરોપિયન દેશો તથા ગલ્ફ દેશોમાં કેસર અને હાફૂસ કેરીની નિકાસ પણ કરવામાં આવે છે. ધરમપુર એપીએમસીમાંથી દરરોજ આશરે 120 ટન અને વલસાડ માર્કેટમાંથી 30 ટન કેરીની નિકાસ થાય છે. સમગ્ર સિઝન દરમિયાન જિલ્લામાંથી આશરે 10 હજાર ટન કેરી વિદેશોમાં મોકલવામાં આવે છે.જિલ્લામાં આવેલા નાના-મોટા મેંગો પલ્પ પ્રોસેસિંગ યુનિટ્સમાં પણ કેરીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે, જેના કારણે બારેમાસ કેરીનો રસ ઉપલબ્ધ બની રહ્યો છે.ધરમપુર કેરી માર્કેટ સ્થાનિક આદિવાસી પરિવારો માટે રોજગારીનું મોટું કેન્દ્ર બન્યું છે. ખેડૂત આગેવાન જીવાભાઈ આહિરના જણાવ્યા અનુસાર સિઝન દરમિયાન આશરે 8 થી 10 હજાર જેટલા મજૂરોને રોજગારી મળે છે. કેરી તોડવી, કેરેટ ભરવા, લોડિંગ-અનલોડિંગ અને ટ્રાન્સપોર્ટેશન જેવા કાર્યોમાં હજારો લોકોને સીધી આવક મળે છે.મજૂરી કામ કરતા દિનેશ કુંવરે જણાવ્યું હતું કે, સિઝન દરમિયાન તેઓ રોજના રૂ.1200 થી 1500 સુધી કમાણી કરે છે અને વધુ કામના દિવસોમાં આવક રૂ.1800 સુધી પહોંચી જાય છે. એક સિઝનમાં આશરે રૂ.50 થી 60 હજાર સુધીની રોજગારી તેમને મળી રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha