
વલસાડ,27 મે (હિ.સ.) વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે “ઝીરો શેડો ડે” નિમિત્તે વિશેષ વૈજ્ઞાનિક અવલોકન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિજ્ઞાનપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
“ઝીરો શેડો ડે” એક અનોખી ખગોળીય ઘટના છે, જેમાં બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઊભી વસ્તુની છાયા લગભગ અદૃશ્ય થઈ જાય છે. આ ઘટના પૃથ્વીના અક્ષના ઝુકાવ અને સૂર્યની આભાસી ગતિના કારણે સર્જાય છે. ખાસ કરીને કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે આવેલા વિસ્તારોમાં જ આ ઘટના જોવા મળે છે.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક મધ્યાહન સમયે બપોરે 12:33 કલાકે વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં 1 મીટર ઊંચા પાઇપ સહિત વિવિધ વસ્તુઓની છાયાનું નિરીક્ષણ કર્યું હતું અને ચોક્કસ સમયે છાયા ગાયબ થતી હોવાનો રસપ્રદ અનુભવ કર્યો હતો.
જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે વિદ્યાર્થીઓને પૃથ્વી-સૂર્ય સંબંધ, ઉત્તરાયણ-દક્ષિણાયણ, કર્કવૃત્ત-મકરવૃત્ત, અક્ષાંશ અને ખગોળીય ગણિત અંગે સરળ અને રસપ્રદ માહિતી આપી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો તેમજ ખગોળ વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકરો તથા મુલાકાતીઓએ આ દુર્લભ કુદરતી ઘટનાનો અનોખો અનુભવ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha