
અમદાવાદ, 27 મે (હિ.સ.) : ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હિટવેવ અને અસહ્ય ગરમીને કારણે ઉનાળો આકરો બન્યો છે. એકતરફ આગઝરતી ગરમી પડી રહી છે અને બીજી તરફ હવે આગામી 8 જૂનથી શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. શાળા સંચાલક મંડળે 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવા માંગ કરી છે.
રાજ્યમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેતું હોવાથી શાળાઓ જલ્દી શરૂ ના કરવી જોઈએ તેવું શાળા સંચાલક મંડળનું માનવું છે.
અમદાવાદમાં એકતરફ આગઝરતી ગરમી પડી રહી છે અને બીજી તરફ હવે આગામી 8 જૂનથી શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે શાળાઓમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા માંગ ઉઠી છે. રાજ્યના શાળા સંચાલક મંડળે 8 જૂનથી શરૂ થનાર સત્ર 18 જૂનથી શરૂ કરવા માંગ કરી છે. જે અંગે મુખ્યમંત્રીને પત્ર લખી આ માગ કરવામાં આવી છે.
શાળાઓમાં વેકેશન પડતાની સાથે જ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ વખતે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે જેના કારણે અમદાવાદ જેવા મોટા શહેરોમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલનું કહેવું છે કે, વડાપ્રધાને પણ ઇંધણ બચાવવા અપીલ કરી હોવાથી વેકેશન લંબાવવામાં આવે. નવું સત્ર શરૂ થયા બાદ ધોરણ 1 થી 5 માટે અઠવાડિયાના પાંચ દિવસ શિક્ષણ કરવામાં આવે. 6 થી 8 માટે અઠવાડિયાના ત્રણ દિવસ અને 9 થી 12 ઓનલાઇન કરવા માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા દસેક દિવસથી ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી આસપાસ જોવા મળ્યો છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી કરફ્યૂ જેવી સ્થિતિ શહેરોમાં જ નહીં નાના ગામડાઓમાં પણ જોવા મળે છે. આ બાજુ ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ 8 જૂનથી શાળાઓ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. એવા સંજોગોમાં અમે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કે આવનારું વેકેશન 18 તારીખ સુધી લંબાવવામાં આવે. ગુજરાતમાં 20 કે 22 તારીખ આસપાસ વરસાદ આવી જતો હોય છે, આથી એકાદ વરસાદ થઈ જાય તો વાતાવરણમાં ઠંડક થતા નાના બાળકોને ઠંડક મળે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ