


પોરબંદર, 27 મે (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મહાનગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. સભાની શરૂઆત ‘વંદેમાતરમ્’ ગીતના ગાન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તા. 1 જાન્યુઆરી 2025 ના રોજ પોરબંદર મહાનગરપાલિકાની રચના થયા બાદ શહેરને પ્રથમવાર મેયર અને ડેપ્યુટી મેયર મળ્યા છે, જે પોરબંદર શહેર માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ છે. તેમણે જણાવ્યું હતું કે પોરબંદર શહેરના બંધારણ અને પૂર્વ ઇતિહાસની વાત કરવામાં આવે તો જુના પોરબંદર રાજ્યના હુકમ તા. 25-7-1887 થી પોરબંદર મ્યુનિસિપાલીટી અસ્તિત્વમાં આવી. જેમાં રાજ્યનિયુક્ત 14 સભ્યોની સંખ્યા હતી, તે પહેલા મ્યુનિસિપાલીટીનું કાર્ય રાજ્યના એક ખાતા તરીકે ચાલતું હતું. ત્યારબાદ સને 1961 માં નવું બંધારણ અમલમાં આવ્યું, જેના સભ્યો રાજ્ય તરફથી નિમવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ (સર ન્યાયાધીશ), ઉપપ્રમુખ (ચીફ એન્જિનિયર), હોદ્દાની રૂ એ પાંચ સભ્યો (રાજ્યના) જેમાં ચીફ એકાઉન્ટસ ઓફિસર, પોર્ટ એન્ડ ચીફ કસ્ટમ્સ, રેવન્યુ કમિશ્નર, ચીફ મેડીકલ ઓફિસર, ચીફ એજ્યુકેશનલ ઓફિસરનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પોરબંદર રાજ્ય તરફથી સને 1930 માં હુકમ તા. 7-5-1930 થી પોરબંદર મ્યુનિસિપાલીટીને સ્વાયત સંસ્થા બનાવી તે બંધારણ મુજબ પ્રજાજનો માંથી 12 સભ્યો ચૂંટવામાં આવતા અને રાજ્ય તરફથી 5 સભ્યોને નિયુક્ત કરવામાં આવતા એ રીતે 17 સભ્યઓ તથા 3 કો-ઓપ્ટ કરવા અધિકાર આપેલ. તે રીતે 20 સભ્યોની બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલ. તેમાં પ્રમુખની વરણી રાજ્ય તરફથી કરવામાં આવતી પરંતુ તે પછી સ્થાનિક સતામંડળને વધુ સત્તા આપવા નામદાર મહારાણા સાહેબે નક્કી કરી હુકમ તા.7-7-1944 થી સુધારો કરી ચૂંટાયેલ સભ્યોમાંથી પ્રમુખની વરણી કરવા અધિકાર આપવામાં આવેલ. ત્યારબાદ સને 1947 માં દેશ સ્વતંત્ર થતા રજવાડાઓનું વિલીનીકરણ થતા તા. 15-4-1948 થી સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવેલ અને ઓર્ડીનન્સ સને 1949 નો બહાર પાડી સુધરાઈઓને ‘ધી બોમ્બે ડીસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ 1901’ નો અપનાવી લાગુ પાડેલ તથા સૌરાષ્ટ્ર રાજ્યના ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ (એલ.એસ.) ખાતાના ઠરાવ તા. 30-6-1949 થી મંજુર થતા પોરબંદર સુધરાઈ એક સંપૂર્ણ પ્રજાકિય સ્વાયત સંસ્થા તરીકે અસ્તિત્વમાં આવી. તે અન્વયે પ્રજાકિય સુધરાઈની સર્વ પ્રથમ ચુંટણી તા. 15-9-1949 ના યોજાયેલ હતી. અને સૌરાષ્ટ્ર સરકારના ડેવલપમેન્ટ એન્ડ પ્લાનિંગ (એલ.એસ.જી.) ખાતાના ઠરાવ તા. 10-12-1952 થી વોર્ડ વાર સભ્ય સંખ્યા મુકરર કરવામાં આવી હતી. આમ પોરબંદર નગરપાલિકાનો ઇતિહાસ વર્ષ 1887 થી શરૂ થાય છે અને સમયાંતરે વિવિધ વહીવટી સુધારાઓ થકી આજે મહાનગરપાલિકાના સ્વરૂપમાં શહેરનો વિકાસ થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવા ચૂંટાયેલા પદાધિકારીઓના નેતૃત્વ હેઠળ શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓમાં વધારો અને સુશાસનને વધુ મજબૂત બનાવવા માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ રહેશે. સભામાં પ્રમુખ સત્તાધિકારી તરીકે નાયબ કમિશનર (પ્રોજેક્ટ) મનન ચતુર્વેદીના અધ્યક્ષસ્થાને મેયર તથા ડેપ્યુટી મેયરના હોદ્દાની ચૂંટણી પ્રક્રિયા સરકારના નિયમો અનુસાર હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાતા તમામ હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઇ હતી.અઢી વર્ષ માટે સામાન્ય બેઠક પર યોજાયેલી મેયરની ચૂંટણીમાં પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર (રાજેશ) મનુભાઈ મોદી તથા ડેપ્યુટી મેયર તરીકે મનીષભાઈ કરશનભાઈ શિયાળની વરણી થઈ હતી. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ વેજાભાઈ ઓડેદરાની વરણી કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તરીકે જ્યોતિબેન શાંતિલાલ આસોડીયા, રાંભીબેન અરભમ ઓડેદરા, પ્રશાંતભાઈ ભરતભાઈ સીસોદીયા,ઇલાબેન પ્રકાશભાઈ લાખાણી, રેખાબેન રમેશભાઈ લુંદરીયા, વિશાલ વેલજીભાઈ મોતીવરસ, હેતલબેન ભાસ્કરભાઈ સાણથરા, મિલનભાઈ જયેશભાઈ મસાણી, ક્રિષ્નાબેન અનિલભાઈ કોટીયા, આશાબેન સોલંકી તથા ધર્મેશભાઈ સુકાભાઈ પરમારની નિમણૂંક કરવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવનિયુક્ત મેયરએ સુદામાપૂરીના પ્રથમ મેયર તો સુદામાજી જ હોવાનું જણાવી મેયરની ખુરશીમાં શ્રી કૃષ્ણ-સુદામાજીનું ચિત્ર બિરાજમાન કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya