
જૂનાગઢ, 27 મે (હિ.સ.) : રાજ્ય સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હસ્તકની ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માણાવદર ખાતે પ્રવેશસત્ર-2026 અંતર્ગત એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.ટી.આઇ.માં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે વિવિધ વ્યવસાયલક્ષી ટ્રેડમાં પ્રવેશ મેળવવાની ઉત્તમ તક ઉપલબ્ધ બની છે.
સંસ્થામાં હાલ ઇલેક્ટ્રીશિયન, વાયરમેન, ફિટર, મિકેનિક ડીઝલ, કોમ્પ્યુટર તથા સુઈંગ એન્ડ ટેકનોલોજી જેવા ટ્રેડમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. સંબંધિત ટ્રેડ માટે ધોરણ 8 થી 10 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. રસ ધરાવતા ઉમેદવારો તથા વાલીઓને જરૂરી દસ્તાવેજો સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થા-માણાવદર ખાતે રૂબરૂ સંપર્ક કરી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ માટે ફોર્મ રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તા. 23 જુન 2026 નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ઉમેદવારોને સંસ્થા ખાતે સંપર્ક સાધવા સૂચન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ