
જામનગર, 27 મે (હિ.સ.) : જામનગર જિલ્લામાં કૌટુંબિક ત્રાસના કારણે નિરાધાર બનેલી એક મહિલા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઘરના સભ્યોના અસહ્ય માનસિક અત્યાચારથી કંટાળી છેલ્લા બે મહિનાથી રસ્તા પર રઝળપાટ કરવા મજબૂર બનેલી એક બહેનને 181ની ટીમે ત્વરિત રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડ્યું છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, જામનગર શહેરમાં એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, એક નિરાધાર બહેન છેલ્લા ઘણા સમયથી અત્યંત દયનીય અને અસુરક્ષિત સ્થિતિમાં રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. આ માહિતી મળતા જ માનવતા અને કાનૂની ફરજના ભાગરૂપે જામનગર 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં કાઉન્સેલર ઈશિતા પરમાર, મહિલા કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ અને પાયલોટ રામજીભાઈ સિયાર દ્વારા ત્વરિત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
181ની ટીમે સ્થળ પર પહોંચીને સૌપ્રથમ ત્રાહિત વ્યક્તિ અને ત્યારબાદ પીડિત મહિલાનું સહાનુભૂતિપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. પ્રાથમિક પૂછપરછ અને કાઉન્સેલિંગ દરમિયાન પીડિત બહેને રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના નાના ભાઈ સાથે રહેતા હતા. પરંતુ, તેમના મોટા ભાઈ દ્વારા માતા-પિતાના ઘર અને મિલકત બાબતે અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મોટા ભાઈના સતત અપમાનજનક વર્તન, દબાણ અને પરિવારજનોના અસહ્ય માનસિક અત્યાચારથી કંટાળીને તેઓ ઘર છોડવા મજબૂર બન્યા હતા.
છેલ્લા આશરે બે મહિનાથી આ બહેન રહેવા, ખાવા કે સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા વિના રસ્તા પર જ રાત-દિવસ વિતાવતા હતા. તેમની સ્થિતિ અત્યંત અસુરક્ષિત હતી અને તેઓ માનસિક આઘાતના કારણે પોતાના પરિવાર પાસે ફરી પાછા જવા માંગતા ન હતા. મહિલાની આ ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાને લઈ, 181ની ટીમે તાકીદે નિર્ણય લીધો હતો.
બહેનને તાત્કાલિક કાનૂની સંરક્ષણ અને રહેઠાણ મળી રહે તે હેતુથી જામનગર સ્થિત ’સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સુરક્ષિત આશ્રય અપાવી જરૂરી કાઉન્સેલિંગ અને તબીબી તેમજ કાનૂની સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કપરા સમયમાં સમયસર વહારે આવીને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ પીડિત બહેને 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt