
અમરેલી,28 મે (હિ.સ.) સાવરકુંડલાના બાયપાસ રોડ ઉપર આવેલ અમૃત સરોવરમાં નાહવા પડેલા દેવીપુજક સમાજના એક 18 વર્ષીય યુવાનનું ડૂબી જતાં કરુણ મોત નિપજતાં પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર લીલાપીળની ધાર પાસે રહેતો અશ્વિન કનુભાઈ કારડીયા (ઉ.વ.18) આજે બપોરના સમયે પરિવારને કહ્યા વગર અમૃત સરોવરમાં નાહવા માટે ગયો હતો. દરમિયાન પાણીના ઊંડાણમાં જતા તે ડૂબી ગયો હતો. સ્થાનિક લોકોએ યુવાનને બચાવવા ભારે પ્રયાસો કર્યા હતા અને તાત્કાલિક ટાઉન પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી ટીમ દ્વારા અશ્વિનને બહાર કાઢી સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક અશ્વિનના પિતા કનુભાઈ કારડીયા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં બે દીકરાઓમાંથી અશ્વિન મોટો દીકરો હતો. બપોરે કામ પરથી ઘરે આવેલા માતા-પિતાને દીકરો સરોવરમાં ડૂબી ગયાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
સરકારી હોસ્પિટલ ખાતે સગા-સંબંધીઓ અને પરિવારજનોએ 18 વર્ષીય યુવાનને મૃત હાલતમાં જોઈ આક્રંદ કર્યો હતો. ઘટનાને પગલે દેવીપુજક સમાજ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમૃત સરોવરમાં અગાઉ પણ આવી દુર્ઘટનાઓ બની ચૂકી છે. છતાં અહીં કોઈ ચોકીદાર, સુરક્ષા રક્ષક કે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ન હોવાને કારણે બપોરના સમયે બાળકો અને યુવાનો નાહવા માટે પહોંચી જતા હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે સરોવરનો વિકાસ થઈ રહ્યો હોવા છતાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે લોકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ તાત્કાલિક સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ તથા પ્રતિબંધાત્મક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai