10 વર્ષથી વારસાઈ હક્ક માટે ભટકતી મહિલાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મળ્યો ન્યાય
અમરેલી, 28 મે (હિ.સ.) : અમરેલી જિલ્લા પોલીસની સંવેદનશીલ કામગીરીના પરિણામે છેલ્લા 10 વર્ષથી જમીનની વારસાઈ માટે કચેરીઓના ધક્કા ખાઈ રહેલી મહિલાને આખરે ન્યાય મળ્યો છે. પોલીસ અને કલેક્ટર તંત્રના સંકલિત પ્રયાસોથી મહિલાને તેમના હક્કની 11 વીઘા જમીન પરત અપા
૧૦ વર્ષથી વારસાઈ હક્ક માટે ભટકતી મહિલાને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા મળ્યો ન્યાય


અમરેલી, 28 મે (હિ.સ.) : અમરેલી જિલ્લા પોલીસની સંવેદનશીલ કામગીરીના પરિણામે છેલ્લા 10 વર્ષથી જમીનની વારસાઈ માટે કચેરીઓના ધક્કા ખાઈ રહેલી મહિલાને આખરે ન્યાય મળ્યો છે. પોલીસ અને કલેક્ટર તંત્રના સંકલિત પ્રયાસોથી મહિલાને તેમના હક્કની 11 વીઘા જમીન પરત અપાવવામાં સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ રક્ષાબેન કચ્છીના સસરાએ વર્ષ 2011માં પેઢીનામું નોંધાવતા સમયે ભૂલથી પુત્ર ‘નલિન’ના બદલે ‘લલિત’ નામ નોંધાવ્યું હતું. આ નાની લાગતી ભૂલના કારણે રક્ષાબેનને વર્ષો સુધી જમીનની વારસાઈ નોંધાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક કચેરીઓમાં રજૂઆતો કરવા છતાં કાયદાકીય આંટીઘૂંટીના કારણે તેમને ન્યાય મળી રહ્યો નહોતો.

આખરે રક્ષાબેને વંડા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસે એફ.આઈ.આર. દાખલ કરી મહેસૂલ અને કૃષિ વિભાગમાંથી જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા. સમગ્ર તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે જિલ્લા કલેક્ટરને વિશેષ રિપોર્ટ સાથે યોગ્ય ભલામણ મોકલી હતી.

પોલીસ તંત્ર અને કલેક્ટર કચેરી વચ્ચેના સચોટ સંકલનના પરિણામે કલેક્ટરે હુકમમાં જરૂરી સુધારો કરી રક્ષાબેનને તેમના હિસ્સાની 11 વીઘા જમીનના વારસાઈ હક્કો પરત અપાવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વકીલ પરેશભાઈ તળાવીયાએ પણ કોઈ ફી લીધા વગર માનવતાભર્યું યોગદાન આપ્યું હતું.

પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું હતું કે પ્રજાને ન્યાય અપાવવો પોલીસ તંત્રની પ્રાથમિક જવાબદારી છે. ભવિષ્યમાં પણ જમીન વિવાદ, વ્યાજખોરી અને છેતરપિંડી જેવા કેસોમાં પોલીસ આવી જ સંવેદનશીલતા અને જવાબદારી સાથે કાર્યરત રહેશે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસની લાગણી વધુ મજબૂત બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande