
સુરત, 28 મે (હિ.સ.) : સુરતમાં ગેરકાયદે ગર્ભપાતના કિસ્સામાં પોલીસએ ડિંડોલી વિસ્તારના જગદીશ પાટિલની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે તે મહિલાઓને વરાછાની મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી લાવતો હતો અને દરેક પેશન્ટ બદલ તેને રૂ. 2000 કમિશન મળતું હતું. હોસ્પિટલ સાથે જોડાયેલા મુખ્ય આરોપી રામગોપાલ ખંડેલવાલ અગાઉ પણ આવા ગુનામાં જેલ ભોગવી ચૂક્યો હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે આરોગ્ય વિભાગને હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત થતો હોવાની બાતમી મળી. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી ત્રણ ગર્ભવતી મહિલાઓ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન હોસ્પિટલમાં કામ કરતી એક મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે ફાર્માસિસ્ટ રામગોપાલ પોતે ડૉક્ટર બની ગર્ભપાત કરતો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગે હોસ્પિટલ સીલ કરી દીધી હતી.
પોલીસ તપાસમાં વધુ ખુલાસા થતાં જગદીશ પાટિલનું નામ સામે આવ્યું. પોલીસના જણાવ્યા મુજબ, તે ગર્ભપાત કરાવવા ઈચ્છતી મહિલાઓને શોધીને હોસ્પિટલ સુધી પહોંચાડતો હતો. હાલ અન્ય મહિલાઓ કોના સંપર્કથી હોસ્પિટલ સુધી પહોંચી હતી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સમગ્ર રેકેટમાં વધુ લોકોની સંડોવણી હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે