
અમરેલી,28 મે (હિ.સ.) મુદ્રા સંસ્થાનો ભવ્ય પુનઃપ્રારંભ ગત રવિવારે અમરેલીમાં કાવ્યમય વાતાવરણ વચ્ચે યોજાયો હતો. યુગંધર કવિ રમેશ પારેખ દ્વારા સ્થાપિત આ સાહિત્યિક સંસ્થાનું સંચાલન હવે સત્ય પ્રેમ કરુણા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. ‘શબ્દ પર્વ-૧’ નામે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મૂર્ધન્ય કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી શ્રોતાઓને કાવ્યરસમાં તરબોળ કરી દીધા હતા.
અમરેલીના દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ ‘મુદ્રા’ના પુનઃપ્રારંભને ગુજરાતી સાહિત્ય માટે ઐતિહાસિક ઘટના ગણાવી હતી.
કાર્યક્રમમાં શ્રીમતી રસિલાબેન રમેશભાઈ પારેખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કવિ વિનોદ જોશીએ રમેશ પારેખની કવિતાઓની વિશેષતા અંગે વિસ્તૃત વાત કરી હતી, જ્યારે છેલભાઈ વ્યાસે ‘મુદ્રા’ના સંસ્મરણો તાજા કર્યા હતા. સંગીતકાર સુરેશ જોશીના હરિગીત ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કાવ્યમય બન્યો હતો. ટ્રસ્ટી પ્રણવ પંડ્યાએ ‘મુદ્રા’ના ભાવિ કાર્યો અને વિચારધારા અંગે માહિતી આપી હતી.
શબ્દ પર્વની દ્વિતીય બેઠકમાં રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, અરવિંદ ભટ્ટ અને ભાવેશ ભટ્ટ જેવા પ્રતિષ્ઠિત કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. જાણીતા કવિ અને સંચાલક મિલિંદ ગઢવીએ કાર્યક્રમનું રસપ્રદ સંચાલન કર્યું હતું.
મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ, શિક્ષણવિદો, પત્રકારો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો અને સ્થાનિક સાહિત્યપ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai