
અમદાવાદ,28 મે (હિ.સ.) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. આજે દિવસ દરમ્યાન સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં 340 કરોડના 84 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર સમાજના યુવક-યુવતીઓ માટે નવનિર્મિત જે.એસ.પટેલ કુમાર છાત્રાલય અને તપસ્વીકુમાર પટેલ કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કર્યું છે.
ઊંઝા કડવા પાટીદાર સમાજના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તૈયાર કરાયેલા આ મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર સમાજના વરિષ્ઠ નેતાઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 4.33 લાખ ચોરસ ફૂટના ભવ્ય બાંધકામ સાથે તૈયાર થયેલી આ અત્યાધુનિક હોસ્ટેલથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા 1600 જેટલા વિદ્યાર્થીઓને રહેવા-જમવા માટે ફાઇવ સ્ટાર જેવી સ્માર્ટ સવલતો અને UPSC-GPSCની તૈયારી માટે વૈશ્વિક સ્તરનું શૈક્ષણિક વાતાવરણ મળશે.
અમિત શાહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશના 80 ટકા ભૂભાગ પર ભાજપનું શાસન છે અને તાજેતરમાં જ બંગાળમાં પણ વિરોધીઓનું સૂપડું સાફ થઈ ગયું છે. અમે ચૂંટણીમાં વચન આપ્યું હતું તે મુજબ બાંગ્લાદેશ સીમા પર ફેન્સિંગ અને સુરક્ષા મજબૂત કરી રહ્યા છીએ. બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ માત્ર સાત જ દિવસમાં 600 હેક્ટર જમીન BSFને સોંપી દીધી છે. અમારી સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે કે, દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર 'ડેમોગ્રાફી ચેન્જ કમિશન' (જનસાંખ્યિકી બદલાવ સમિતિ)ની સ્થાપના કરી રહી છે, જે એક વર્ષમાં પોતાનો અહેવાલ આપશે અને ગેરકાયદેસર વસતિ સંતુલન રોકવા માટે નવો કાયદો બનાવવાની દિશામાં પણ કામ કરશે.
ગૃહમંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને યાદ કરતા કહ્યું કે, “આજે વીર સાવરકરની જન્મતિથિ છે. તેઓ એવા પ્રખર રાષ્ટ્રભક્ત હતા જેમને કોઈ સરકારી સન્માનની જરૂર નહોતી, દેશનો બચ્ચો-બચ્ચો તેમને આદરથી વીર સાવરકર કહે છે. અંગ્રેજોએ જેમને એક જ જન્મમાં બે વખત આજીવન કેદ (કાળાપાણી)ની સજા ફટકારી હતી. જેલની દીવાલો પર પોતાના લોહીથી કાવ્યો લખનાર વીર સાવરકરે દેશની ભાષાઓ અને દલિત સમાજ માટે પતિત પાવન મંદિર બનાવી અસ્પૃશ્યતા વિરૂદ્ધ મોટું કામ કર્યું હતું.”
આ આંતરરાષ્ટ્રીય સ્તરના હોસ્ટેલ પ્રોજેક્ટના આંકડાઓ અને સુવિધાઓ અત્યંત પ્રભાવશાળી છે. 2,16,807 ચોરસ ફૂટની બોયઝ હોસ્ટેલ અને 2,19,807 ચોરસ ફૂટની ગર્લ્સ હોસ્ટેલ મળીને કુલ 4,33,914 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં આ ભવ્ય બાંધકામ કરવામાં આવ્યું છે.
ભોજનાલય અને લાઇબ્રેરી: હોસ્ટેલ કેમ્પસમાં 1600 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતો વિશાળ ડાઇનિંગ હોલ અને બે અત્યાધુનિક રસોડા બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગર્લ્સ હોસ્ટેલમાં 2 અને બોયઝ હોસ્ટેલમાં 1 મળી કુલ 3 ડિજિટલ લાઇબ્રેરી તથા ફિટનેસ માટે 2 આધુનિક જીમ (Gym) તૈયાર કરાયા છે.
ગૃહમંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને યાદ કરતા કહ્યું કે, “
આજે મોડી સાંજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઓલમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના આયોજન સંદર્ભે ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તથા રમતગમત સત્તામંડળ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ