
કચ્છ, 28 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ તથા શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થોના સંગ્રહ અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહેલા વિશેષ અભિયાન દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ગાંધીધામને મોટી સફળતા મળી છે.
માહિતી મુજબ એલસીબી પૂર્વ કચ્છની ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે શિણાય સીમ વિસ્તારમાં આવેલી એક વાડીમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થનો જથ્થો સંગ્રહ કરી તેનો ઉપયોગ વાહનોમાં ઇંધણ તરીકે કરવામાં આવી રહ્યો છે. મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ ટીમે સર્વે નં. 154/1 ખાતે આવેલી એચ.કે. વોટર્સ સપ્લાય નામની જગ્યા પર દરોડો પાડ્યો હતો. સ્થળ પર પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા પંપિંગ સ્ટેશન નજીક ઉભેલા ટેન્કરમાં તપાસ કરતાં તેમાં મોટી માત્રામાં શંકાસ્પદ પેટ્રોલીયમ પદાર્થ ભરેલો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન હાજર વ્યક્તિ પાસે માલના બિલ, લાયસન્સ કે અન્ય કોઈ આધાર પુરાવા ન મળતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે ટેન્કરમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરી હતી તેમજ ટેન્કરના વાલ્વ, ઢાંકણા અને મીટર-મોટરને સીલ કરી દીધા હતા. દરોડા દરમિયાન આશરે 9200 લીટર જેટલો શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ. 7.37 લાખ ગણવામાં આવી છે. ઉપરાંત ટેન્કરની કિંમત રૂ. 3.50 લાખ મળી કુલ રૂ. 10.86 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં આદિપુરના વોર્ડ નં. 3/બી વિસ્તારમાં રહેતા હરેશભાઈ નથુમલ હરજાણીની અટકાયત કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર ઓપરેશન નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા એલસીબી સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પેટ્રોલીયમ વેપાર અને બાયોડીઝલના કાળા કારોબાર સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar