અંજાર બસ સ્ટેશનમાંથી ચોરાયેલ મોપેડ સાથે આરોપી ઝડપાયો
કચ્છ, 28 મે (હિ.સ.) : અંજાર શહેરમાં વધી રહેલા વાહનચોરીના બનાવો સામે અંજાર પોલીસ સતત સક્રિય બની કામગીરી કરી રહી છે. તે જ અનુસંધાને અંજાર બસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા મોપેડના ગુનાનો ઝડપી ભેદ ઉકેલી પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પો
અંજાર મોપેડ ચોરી કેસનો આરોપી


કચ્છ, 28 મે (હિ.સ.) : અંજાર શહેરમાં વધી રહેલા વાહનચોરીના બનાવો સામે અંજાર પોલીસ સતત સક્રિય બની કામગીરી કરી રહી છે. તે જ અનુસંધાને અંજાર બસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા મોપેડના ગુનાનો ઝડપી ભેદ ઉકેલી પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે કરેલી આ કામગીરીને કારણે વાહનચોરોમાં ભયનો માહોલ સર્જાયો છે.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ અને નાઇટ રાઉન્ડિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી હતી.

તે દરમિયાન પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે કળશ સર્કલ તરફથી એક વ્યક્તિ ચોરી કરાયેલ મોપેડ લઈને જી.આઈ.ડી.સી તરફ જઈ રહ્યો છે. માહિતીના આધારે પોલીસ ટીમે સતર્કતા દાખવી વોચ ગોઠવી હતી. બાદમાં શંકાસ્પદ મોપેડ ચાલકને અટકાવી વાહનના દસ્તાવેજો અંગે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ચાલક કોઈ યોગ્ય આધાર પુરાવા રજૂ કરી શક્યો નહોતો.

પોલીસે વધુ કડક પૂછપરછ કરતા આરોપીએ મોપેડ અંજાર બસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે તરત જ મોપેડ કબ્જે લઈ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીની ઓળખ ગંભીરસિંહ કેશુભા ભાટી (ઉંમર ૩૮) તરીકે થઈ છે. આરોપી હાલ મેઘપર બોરીચી ખાતે મંગલેશ્વર સોસાયટીમાં રહે છે અને મૂળ રાપર તાલુકાના ડાભુંડા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી જી.જે.૧૨ ડી.એફ.૮૧૨૪ નંબરનું મોપેડ કબ્જે કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૦ હજાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. વાળા તથા અંજાર પોલીસ સ્ટાફના અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande