મુંદરામાં એલસીબીની કાર્યવાહી : આધાર પુરાવા વગરના પિત્તળના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
કચ્છ, 28 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરી તેમજ શંકાસ્પદ માલસામાનની હેરફેર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃ
પીતળ na સ્ક્રેપ સાથે પકડાયેલ આરોપી


કચ્છ, 28 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરી તેમજ શંકાસ્પદ માલસામાનની હેરફેર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા અને આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની હેરફેર અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી કરી રહી છે.

આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા સ્ટાફના પોલીસ કર્મચારીઓ મુંદરા તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ દરમિયાન ભુજપુર ગામ નજીક આવેલ આલ્ફા ફર્નિચર મોલ પાસે રોડ ઉપર એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં હાથમાં પ્લાસ્ટિકનો થેલો લઈને ઉભો જોવા મળ્યો હતો.

પોલીસે તેને રોકી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આશિષકુમાર ગજરાજ યાદવ હોવાનું જણાવ્યું હતું. મૂળ ઉત્તરપ્રદેશના ભદોઈ જિલ્લાના તારાપુર ગામનો રહેવાસી આ વ્યક્તિ હાલમાં મુંદરા તાલુકાના મોટી ભુજપુર વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની પાસે રહેલો પ્લાસ્ટિકનો થેલો ચેક કરતા તેમાં મોટી સંખ્યામાં પિત્તળની નાની રીંગો મળી આવી હતી.

માલસામાન અંગે પોલીસ દ્વારા આધાર પુરાવા માંગવામાં આવતા સંબંધિત વ્યક્તિ કોઈપણ કાનૂની દસ્તાવેજ કે ખરીદીના પુરાવા રજૂ કરી શક્યો નહોતો. જેના આધારે પોલીસે સમગ્ર મુદ્દામાલને શંકાસ્પદ મિલ્કત માની કબ્જે કર્યો હતો. પોલીસે કુલ ૨૨.૫૦૦ કિલોગ્રામ વજનની પિત્તળની રીંગો, અંદાજિત રૂપિયા ૧૧,૨૫૦ની કિંમતનો જથ્થો કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ મામલે આરોપી સામે બી.એન.એસ.એસ.ની કલમ મુજબ અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ પિત્તળનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ ચોરી અથવા ગેરકાયદેસર હેરફેરનું નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર ધંધો કરતા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande