

કચ્છ, 28 મે (હિ.સ.) : ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનની ટીમે ગુનાખોરી અને ગેરકાયદેસર હથિયારોની હેરફેર અટકાવવા હાથ ધરેલી ચેકિંગ કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રેલવે સ્ટેશન પર શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા એક વ્યક્તિને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટની સેમી ઓટોમેટિક પિસ્ટલ, બે મેગેઝીન અને જીવતા કારતૂસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા જગાવી છે.
ગુજરાત રાજ્ય રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટ્રેનો અને રેલવે સ્ટેશનો પર મિલકત સંબંધિત ગુનાઓ તેમજ પ્રતિબંધિત વસ્તુઓની હેરફેર રોકવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.
આ દરમિયાન ગાંધીધામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પરથી બહાર નીકળતા મુખ્ય દરવાજા પાસે એક શખ્સ બ્લૂ કલરની શોલ્ડર બેગ સાથે શંકાસ્પદ રીતે હલચલ કરતો નજરે ચડ્યો હતો. ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓને જોઈ તે ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કરતો હોવાનું જણાતા પોલીસે તરત જ તેને રોકી પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં ગેરસમજ ઉભી કરે તેવા જવાબો આપતા પોલીસે વધુ સઘન તપાસ કરતા તેની ઓળખ અજયકુમાર મનોજકુમાર નૈન તરીકે થઈ હતી.
પોલીસ દ્વારા કરવામાં આવેલી તલાશી દરમિયાન આરોપીએ કમરના ભાગે ગેરકાયદેસર રીતે પિસ્ટલ છુપાવી રાખેલી હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં તેની પાસેથી દેશી બનાવટની સેમી ઓટોમેટિક પિસ્ટલ, પિસ્ટલમાં વપરાતા બે મેગેઝીન અને 14 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરીને તેની કિંમત અંદાજે રૂ. 27,400 ગણાવી છે.
આ મામલે ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી મળેલા હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તેમજ તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર પી.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અરજણભાઈ સોમાભાઈ, હેડ કોન્સ્ટેબલ અમરદીપસિંહ કીરીટસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ નારણભાઈ તેમજ પોલીસ સ્ટાફના અન્ય જવાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગાંધીધામ રેલવે પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર હથિયારો રાખતા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar