


કચ્છ, 28 મે (હિ.સ.) : બ્રાઝીલથી ગુજરાતના દરિયા માર્ગે દિલ્હી સુધી કોકેઇન સપ્લાયના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, ATS અને કોસ્ટગાર્ડની સંયુક્ત કાર્યવાહીમાં કરોડોનું કોકેઇન જપ્ત
ગુજરાતના દરિયા માર્ગનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાય ચેઇન ચલાવવાના ગુનાહિત કાવતરાનો ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે ભંડાફોડ કર્યો છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન બ્રાઝીલથી લાવવામાં આવેલ આશરે ૧૧૯ કિલોથી વધુ કોકેઇનનો જથ્થો ઝડપાઈ આવતા સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સામે મોટી સફળતા હાંસલ કરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. દિલ્હીમાંથી પણ બે વિદેશી નાગરિકોને રાઉન્ડ અપ કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATSના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે “યુરોપ” નામના કાર્ગો વહાણમાં કાર્યરત કેટલાક ક્રૂ મેમ્બરો બ્રાઝીલથી મોટા પ્રમાણમાં કોકેઇન લઈને આવી રહ્યા છે. આ જથ્થો દરિયામાં મુન્દ્રા નજીક આઉટર એન્કરેજ વિસ્તારમાં ફિશિંગ બોટ મારફતે ઉતારી દિલ્હી પહોંચાડવાની યોજના હતી. બાતમીના આધારે ATSના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ મુન્દ્રા ખાતે મોકલવામાં આવી હતી. સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ પર પણ સતત નજર રાખવામાં આવી રહી હતી.
મુન્દ્રા ખાતે ભારતીય કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે સંકલન સાધી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરિયામાં શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખતી ટીમને “યુરોપ” નામનું કાર્ગો વહાણ આઉટર એન્કરેજ વિસ્તારમાં જોવા મળ્યું હતું. ટીમ જ્યારે વહાણની નજીક પહોંચી ત્યારે ડેક પર હાજર બે શખ્સોએ કોસ્ટગાર્ડની બોટને જોતા જ પાણીમાં કેટલાક ભારે થેલાઓ ફેંકી દીધા હતા. તરત જ દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી અને પાંચ થેલાઓ રીકવર કરવામાં આવ્યા હતા.
થેલાઓની તપાસ દરમિયાન અંદરથી કુલ 115 પેકેટ મળી આવ્યા હતા. પ્રાથમિક પરીક્ષણમાં તેમાં કોકેઇનની હાજરી હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા કોકેઇનનું કુલ વજન આશરે 118.977 કિલો હોવાનું બહાર આવ્યું છે. તપાસ દરમિયાન થેલાઓમાંથી ચાર એપલ એરટેગ્સ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ માલની લાઈવ ટ્રેકિંગ માટે થતો હોવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
કોકેઇનની પુષ્ટિ થયા બાદ ATS અને કોસ્ટગાર્ડની ટીમોએ તરત જ કાર્ગો વહાણમાં બોર્ડિંગ કરીને તમામ ક્રૂ મેમ્બરોની પૂછપરછ અને તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન તાન્ઝાનિયાનો રહેવાસી જુમા નાસિર ઓમર નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે આ કોકેઇનનો જથ્થો બ્રાઝીલથી લાવવામાં આવ્યો હતો અને તેને મોટર રૂમમાં ગુપ્ત રીતે સંતાડવામાં આવ્યો હતો. હેન્ડલરના સૂચન મુજબ યોગ્ય સમયે દરિયામાં ડિલિવરી કરવાની યોજના હતી.
તપાસ દરમિયાન વધુ એક આરોપી ન્ગિંગિતે નાસોરો જુમાનેએ પકડાઈ જવાના ડરથી દરિયામાં ઝંપલાવી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. હાલ કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તેની શોધખોળ ચલાવી રહી છે. વધુ તપાસમાં વહાણના સ્ટીયરિંગ ગિયર રૂમમાંથી ગાર્મિન કંપનીના બે અત્યાધુનિક GPS અને સેટેલાઇટ કોમ્યુનિકેશન ડિવાઇસ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ દરિયામાં ચોક્કસ સ્થાન અને સંપર્ક માટે થતો હોવાનું માનવામાં આવે છે.
આ કેસમાં દિલ્હી ખાતે રહેતા કેલ્વિન ચુકવુમા અને બ્યારુહંગા જેમ્સ નામના બે વિદેશી નાગરિકો પણ ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા હોવાનું સામે આવતા ગુજરાત ATSએ દિલ્હી પોલીસની મદદથી બંનેને રાઉન્ડ અપ કર્યા છે. મળતી માહિતી મુજબ એક આરોપી નાઇજીરિયાનો છે જ્યારે બીજો યુગાન્ડાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઓપરેશન દરમિયાન કચ્છ SOG, કોસ્ટલ અને મરીન પોલીસ ઉપરાંત મુન્દ્રા પોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સુરક્ષા એજન્સીઓના સંકલિત પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ડ્રગ્સ નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના દરિયા માર્ગનો ઉપયોગ કરીને દેશભરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના કાવતરાને સમયસર નિષ્ફળ બનાવતા ATS અને કોસ્ટગાર્ડની કામગીરીને મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar