માધાપરમાંથી ચોરાયેલી બાઈક સાથે શખ્સ ઝડપાયો, એલસીબીએ ગણતરીના સમયમાં ગુનો ઉકેલ્યો
કચ્છ, 28 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં વધતા વાહન ચોરીના બનાવો પર અંકુશ લાવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મોટર સાયકલનો ગુનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ગતિએ ઉકેલી એક આરોપીને મુદ
મોટર સાયકલ કેસનો આરોપી મુદ્દામાલ સાથે


કચ્છ, 28 મે (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં વધતા વાહન ચોરીના બનાવો પર અંકુશ લાવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ભુજ તાલુકાના માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી મોટર સાયકલનો ગુનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી ગતિએ ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલું મોટર સાયકલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરીના વધતા ગુનાઓને ગંભીરતાથી લઈ આવા ગુનાઓ ઉકેલવા તેમજ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે શહેર અને આસપાસના વિસ્તારોમાં ચેકિંગ અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવ્યું હતું.

આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે નેત્રમ સીસીટીવી પ્રોજેક્ટ તથા હ્યુમન સોર્સીસના આધારે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કામરુદેશ વિસ્તારની સંજયનગરી નજીક ચાની હોટલ પાસે ઉભેલો એક શખ્સ શંકાસ્પદ મોટર સાયકલ સાથે ફરતો જોવા મળ્યો છે.

માહિતીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિજય ઉર્ફે વિજીયો રમેશગીરી ગોસ્વામી નામનો ૨૬ વર્ષીય યુવક ઝડપાયો હતો. આરોપી સંજયનગરી, ગ્રાન્ટ થ્રીડી હોટલ પાસે, કામરુદેશ વિસ્તારનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આરોપી પાસે રહેલી હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ અંગે માલિકીના દસ્તાવેજો માંગતા તે કોઈ પુરાવા રજૂ કરી શક્યો નહોતો. કડક પૂછપરછમાં આરોપીએ થોડા દિવસો અગાઉ માધાપરના જુનાવાસ વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષ પાસે પાર્ક કરાયેલ મોટર સાયકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.

પોલીસે માધાપર પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા આ મામલે અગાઉથી જ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધાયેલ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીના કબ્જામાંથી રજીસ્ટ્રેશન નંબર GJ-12-AL-5189 ધરાવતું અંદાજે રૂ. ૧૫ હજાર કિંમતનું સ્પ્લેન્ડર મોટર સાયકલ કબ્જે કર્યું હતું.

આરોપીની અટકાયત કરીને તેની સામે બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે પોલીસે આરોપી અન્ય કોઈ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીને કારણે વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande