સુરત મનપામાં ભાજપની નવી ટીમ જાહેર, મેયર પદે માયાબેન માવાણી
સુરત, 28 મે (હિ.સ.): સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની પસંદગીને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવ્યો છે. સામાન્ય સભામાં લાંબા સમય સુધી ચાલેલી બેઠક અને રાજકીય ગતિવિધિઓ બાદ ભાજપે નવા મેયર સહિતના મહત્વપૂર્ણ હોદ્દા
Surat


સુરત, 28 મે (હિ.સ.): સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની પસંદગીને લઈને છેલ્લા ઘણા દિવસોથી રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવ્યો છે. સામાન્ય સભામાં લાંબા સમય સુધી ચાલેલી બેઠક અને રાજકીય ગતિવિધિઓ બાદ ભાજપે નવા મેયર સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓના નામોની સત્તાવાર જાહેરાત કરી હતી. આ નિર્ણય સાથે શહેરની રાજનીતિમાં નવા સમીકરણો જોવા મળ્યા છે.

નવા પદાધિકારીઓની પસંદગી દરમિયાન સામાન્ય સભાખંડમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. શરૂઆતમાં નામો ઈ-મેલ અથવા મેસેજ દ્વારા જાહેર થશે એવી અટકળો હતી, પરંતુ અંતે પ્રદેશ ભાજપના નેતા પ્રશાંત કોરાટે સીધા શહેર પ્રમુખ પરેશ પટેલને ફોન કરી તમામ નામોની જાહેરાત કરાવી હતી. ત્યારબાદ સભાખંડમાં ભાજપના કોર્પોરેટરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

આ વખતે ભાજપે સુરતના વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો છે. મેયર પદે પાટીદાર સમાજ, ડેપ્યુટી મેયર પદે મરાઠી સમાજ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મૂળ સુરતી ચહેરો, શાસક પક્ષના નેતા તરીકે જૈન સમાજ અને દંડક તરીકે ઉત્તર ભારતીય સમાજના પ્રતિનિધિને સ્થાન અપાયું છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સામાજિક સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.

સુરતના નવા મેયર તરીકે માયાબેન માવાણીની પસંદગી કરવામાં આવી છે. પાટીદાર સમાજમાં મજબૂત ઓળખ ધરાવતા માયાબેન છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેઓએ સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી છે અને પક્ષ પ્રત્યેની વફાદારીને કારણે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

માયાબેન માવાણી સામાજિક ક્ષેત્રે પણ સક્રિય માનવામાં આવે છે. ખાસ કરીને સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ અને પાટીદાર સમાજ સાથે તેમનો નજીકનો સંપર્ક રહ્યો છે. અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તેઓ જોડાયેલા રહ્યા હોવાથી તેમની પસંદગીથી સૌરાષ્ટ્રવાસી સમાજમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલને ફરી તક આપવામાં આવી છે. તેમની વહીવટી કામગીરી અને વિકાસકામોમાં અનુભવને ધ્યાનમાં રાખીને પક્ષે ફરી ભરોસો વ્યક્ત કર્યો છે. ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે. નવી ટીમ આગામી અઢી વર્ષ સુધી સુરતના વિકાસકાર્યોની જવાબદારી સંભાળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande