પોરબંદર માં આકરા ઉનાળાથી લોકો ત્રસ્ત.
પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરા ઉનાળાનો માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમી અને ભારે ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં તાપમાનનો પારો સતત 35થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો હોવાથી સામાન્ય જનજીવ
પોરબંદર માં આકરા ઉનાળાથી લોકો ત્રસ્ત.


પોરબંદર, 28 મે (હિ.સ.) પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરા ઉનાળાનો માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમી અને ભારે ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં તાપમાનનો પારો સતત 35થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો હોવાથી સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.ખાસ કરીને બપોરના સમયે આકરો તાપ લોકોને બહાર નીકળતા અટકાવી રહ્યો છે.સવારે જ સૂર્યપ્રકાશ તીવ્ર બનતો જાય છે અને બપોર સુધીમાં ગરમી અસહ્ય બની જાય છે.

શહેરના મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળોએ બપોરના સમયે લોકોની અવરજવર સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી જોવા મળી રહી છે. ગરમી સાથે ઉકળાટનું પ્રમાણ પણ વધતા લોકો વધુ પરેશાન બની રહ્યા છે. દિવસભર ઘરો અને દુકાનોમાં પંખા તથા એસીનો ઉપયોગ વધ્યો છે.ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને ઠંડક આપતી વસ્તુઓનો સહારો લઈ રહ્યા છે. શહેરના જ્યુસ સેન્ટર, ઠંડા પીણાની દુકાનો અને આઈસ્ક્રીમ પાર્લરો પર લોકોની ભીડ જોવા મળી રહી છે.બીજી તરફ ડોક્ટરો પણ લોકોને વધુ પાણી પીવા, બપોરના સમયે બહાર ન નીકળવા અને શરીરને હાઈડ્રેટ રાખવાની સલાહ આપી રહ્યા છે.

દિવસભરની ગરમી બાદ રાત્રિના સમયે લોકો થોડો શાંતિનો અનુભવ કરવા પરિવાર સાથે ચોપાટી અને દરિયાકિનારા વિસ્તારમાં પહોંચતા જોવા મળે છે.ઠંડા પવનની શોધમાં મોટી સંખ્યામાં લોકો મોડી રાત સુધી બહાર ફરતા નજરે પડે છે.ખાસ કરીને બાળકો અને યુવાનો ચોપાટી પર સમય પસાર કરતા જોવા મળે છે. હાલ વધતી ગરમી વચ્ચે લોકો હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જેથી આકરા ઉનાળાથી રાહત મળી શકે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande