
- અશોકસિંહે કહ્યું- પોલીસે મારી જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા, દીકરા-દીકરીની પણ ધરપકડ
અમદાવાદ,28 મે (હિ.સ.) અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ ગઈકાલે સાંજે ફાયરિંગ મામલે નિવૃત્ત ડીવાયએસપીએ આજે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો છે.
નિવૃત ડીવાયએસપીને મીડિયા સમક્ષ આવવા ના દેતા ડીવાયએસપીએ સ્થાનિક પોલીસ પર આક્ષેપ કરીને હોબાળો કર્યો છે. જેથી બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ડીવાયએસપીને જબરજસ્તી પકડીને રૂમમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસ ધરપકડ કરતાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણનો પાવર જોવા મળ્યો હતો. પોલીસે ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતાં. અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત ડીવાયએસપીએ આક્ષેપ કર્યા છે કે, પોલીસે જ સાઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘૂસાડ્યા હતાં.
અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ ગઈકાલે સાંજે આશરે 5 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.
ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના એસીપી સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી પૂછપરછ કરી છે અને આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ઘટનાસ્થળે ડીવાયએસપીઅશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ ફાયરિંગ સમયે હાજર હતો. આ સિવાય તેમની પુત્રી પણ ત્યાં હાજર હતી. આરોપીને અટકાયત કરીને સર્વેલન્સ સ્ક્વોડની એસી ચેમ્બરમાં બેસાડવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ