લાખેણી ગામમાં તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સનું આકસ્મિક ચેકિંગ : વેપારીઓ સામે કાર્યવાહી, દંડ વસૂલાયો
બોટાદ, 28 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના લાખેણી ગામમાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્ક્વોડ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એચ.એમ. વોરાની સૂચના અને જિલ્લા વિકાસ અધિકારી બી.
ભાવનગર


બોટાદ, 28 મે (હિ.સ.) : બોટાદ જિલ્લાના લાખેણી ગામમાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ સ્ક્વોડ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર એચ.એમ. વોરાની સૂચના અને જિલ્લા વિકાસ અધિકારી બી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં તમાકુ વિરોધી કાયદાનું સઘન અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ. ધોળકિયા તથા એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. આર.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ – કોટપા 2003” અંતર્ગત લાખેણી ગ્રામ્ય વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ અને રેડની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં પાન ગલ્લા, પાર્લર તથા નાના-મોટા વેપારીઓ સહિત કુલ 31 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન તમાકુ અને તમાકુની બનાવટોના વેચાણમાં નિયમભંગ જોવા મળતા પાંચ દુકાનદારો પાસેથી રૂ. 100 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત વેપારીઓને તમાકુ વેચાણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટાસ્ક ફોર્સ દ્વારા વેપારીઓને “તમાકુથી કેન્સર થાય છે”, “18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને તમાકુ વેચાણ દંડનીય ગુનો છે” તેમજ “બીડી અને સિગારેટનું છૂટક વેચાણ પ્રતિબંધિત છે” જેવા આરોગ્યલક્ષી સંદેશાઓનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, સચિત્ર ચેતવણી વગરના તમાકુ ઉત્પાદનો તથા શાળાની આસપાસ તમાકુ વેચાણ ઉપર પ્રતિબંધ અંગે પણ સમજ આપવામાં આવી હતી.

આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પ્રિયંકાબા ગોહિલ, તાલુકા સુપરવાઈઝર મનીષભાઈ બાવળિયા, સુપરવાઇઝર દીપકભાઈ નિમાવત, એમ.પી.એચ.ડબલ્યુ. અજયભાઈ ડોડીયા તથા પોલીસ વિભાગના અધિકારી મયુરભાઈ વાલાણી સહિતના કર્મચારીઓએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande