
- રાજકોટમાં ચીમનકાકા ના દીકરા નેહલ શુક્લ મેયર બન્યા, પરેશ પીપળીયા સ્ટે.ચેરમેન અને દક્ષા વસાણી ડે.મેયર
- વડોદરામાં ગીતા મકવાણા મેયર બન્યા, વર્ષાબહેન વ્યાસ સ્ટે.ચેરમેન અને આદિત્ય પટેલ ડે.મેયર
ગાંધીનગર,28 મે (હિ.સ.) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામના લગભગ એક મહિના બાદ બે દિવસ પહેલા 26 મેના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, મોરબી, જામનગર, પોરબંદર, નડિયાદ, મહેસાણા એમ કુલ 8 મનપામાં પદાધિકારીઓની જાહેરાત કરી દેવાઈ હતી.. આજે જેની કાગડોળે રાહ જોવાતી હતી તે આજે વડોદરા અને રાજકોટના પદાધિકારીઓની જાહેરા થઈ ગઈ છે. વલસાડ-વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોના નામ જાહેર કરાશે.
રાજકોટ મહાનગર પાલિકામાં 76 દિવસ પદાધિકારીઓનું રાજ ચાલ્યા બાદ હવે પદાધિકારીઓનું શાસન આવ્યું છે. આજે રાજકોટને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળ્યા છે. રાજકોટ મનપાના ઇતિહાસમાં પદાધિકારીઓની નિમણુંક માટે આટલું વિલંબ ક્યારેય નથી થયો. આ પ્રથમ વખત બનેલી ઘટનામાં રોજ બરોજ મેયર સહિતના પદ માટે નવા નવા નામો ચર્ચાતા રહ્યા હતા અને છેલ્લી ઘડી સુધી ચૂંટાયેલા સભ્યો દ્વારા એડી ચોટીનું જોર લગાવી લોબિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ફરી ચીમનભાઈ શુકલાના પુત્ર નેહલ શુકલાએ બાજી મારી છે.
નેહલ શુકલાએ છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપી હતી અને પોતે આખરી કલાકોમાં મેન્ડેટ મેળવ્યું હતું. એ જ રીતે આજે મેયર પદ પર પાટીદાર અને ક્ષત્રિય સમાજના લોબિંગને તોડી દઈ મેયર તરીકે પોતાનું નામ ફાઇનલ કરાયું છે.
વડોદરા કોર્પોરેશનના નવા પદાધિકારીઓના નામ ભાજપે જાહેર કર્યા મેયર - ગીતા મકવાણા,ડે. મેયર - આદિત્ય પટેલ,સ્ટે.ચેરમેન - વર્ષાબહેન વ્યાસ,દંડક - વિજય ચૌહાણ અને શાસક પક્ષના નેતા શ્વેતા માછીની વરણી થઈ.
સુરત મહાનગરપાલિકાના મેયરના નામ જાહેર થવાની કોર્પોરેટરો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ શહેર પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સીધો ફોન આવવાનો છે અને ફોન પર જ એનાઉન્સમેન્ટ થવાનું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ