ઉધનામાં દારૂના અડ્ડા સામે મહિલાઓનો રોષ, લોકોએ કરી જનતા રેડ
સુરત, 28 મે (હિ.સ.) : સુરતના ઉધના વિસ્તારમાં એમ-4 માર્કેટ નજીક ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા સામે સ્થાનિક લોકો અને મહિલાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ “જનતા રેડ” પાડી હતી, જ્યાંથી દેશી દારૂની પોટલીઓ અને ઇંગ્લિશ દારૂની બોટલો
Surat


સુરત, 28 મે (હિ.સ.) : સુરતના ઉધના વિસ્તારમાં એમ-4 માર્કેટ નજીક ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા સામે સ્થાનિક લોકો અને મહિલાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ “જનતા રેડ” પાડી હતી, જ્યાંથી દેશી દારૂની પોટલીઓ અને ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સ્થાનિકોના કહેવા મુજબ આ અડ્ડા પર ઓપન બાર જેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જ્યાં લોકો ખુલ્લેઆમ બેસીને દારૂ પીતા હતા. રેડ દરમિયાન એક યુવકે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે આવા અસામાજિક તત્વોને કારણે વિસ્તારમાં મહિલાઓની છેડતીની ઘટનાઓ વધી રહી છે અને તેની પોતાની બહેન પણ હેરાનગતિનો ભોગ બની છે.

ઘટનાસ્થળે હાજર મહિલાઓએ પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ આરોપ લગાવ્યો કે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે અને યુવાનોનું જીવન બગડી રહ્યું છે. કેટલાક લોકોએ પોલીસ અને સરકારની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. વીડિયોમાં એક મહિલાએ પૂર્વ કોર્પોરેટર પર પણ આ અડ્ડાઓને રાજકીય આશ્રય મળતો હોવાના આક્ષેપ કર્યા હતા.

જનતા રેડ દરમિયાન કેટલાક લોકો વીડિયો બનાવતા અટકાવવાનો પ્રયાસ કરતા હતા, જેના કારણે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. સ્થાનિકોએ ખુલ્લી જગ્યામાં છુપાવી રાખેલો દારૂનો જથ્થો બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. ઘટનાની જાણ 112 હેલ્પલાઇન પર થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકર જય દલાલની હત્યાનો મામલો ચર્ચામાં રહ્યો હતો, જેમાં બૂટલેગર ગેંગના નામ સામે આવ્યા હતા. હવે ફરી એકવાર દારૂના અડ્ડાને લઈને જનતા રસ્તા પર ઉતરતા સુરત પોલીસ પર અનેક સવાલો ઊભા થયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande