ક્રીપ્ટોમાં રોકાણના નામે રૂ.14.28 લાખની ઠગાઈ, આંતરરાજ્ય ગેંગનો સભ્ય મુંબઈથી ઝડપાયો
વલસાડ, 28 મે (હિ.સ.) : વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ક્રીપ્ટો કરન્સીમાં ઊંચા રિટર્નની લાલચ આપી ₹14.28 લાખની સાયબર ઠગાઈ આચરનાર આંતરરાજ્ય ગેંગના એક સભ્યને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે અગાઉ પણ સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર
પ્રતિકાત્મક તસ્વીર


વલસાડ, 28 મે (હિ.સ.) : વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે ક્રીપ્ટો કરન્સીમાં ઊંચા રિટર્નની લાલચ આપી ₹14.28 લાખની સાયબર ઠગાઈ આચરનાર આંતરરાજ્ય ગેંગના એક સભ્યને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે અગાઉ પણ સાયબર ફ્રોડના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન. રાવ, સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ તથા વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એચ.જી. રબારીની ટીમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, દાદરા નગર હવેલીના ડુંગરા વિસ્તારમાં રહેતા આયુષ કીરણકુમાર જૈનને અજાણ્યા નંબર પરથી ફોન કરી “ગોલ્ડ નેસ્ટ રીસર્ચ કંપની” મારફતે ક્રીપ્ટોમાં રોકાણ કરવાથી વધુ નફો મળશે તેવી લાલચ અપાઈ હતી. ત્યારબાદ ફરિયાદીને https://dtbx.exchange/staking નામની વેબસાઇટની લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું.

ફરિયાદી તેમજ તેમના માતા-પિતાના બેંક ખાતાઓમાંથી છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ ₹14,28,000નું રોકાણ કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં પોર્ટફોલિયોમાં નફો બતાવી વિશ્વાસ જીત્યા બાદ જ્યારે ફરિયાદીએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે વેબસાઇટમાં એરર આવવા લાગ્યો અને સંપર્કના તમામ નંબર બંધ મળી આવ્યા હતા. જેના પગલે ફરિયાદીએ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સાયબર પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ, વોટ્સએપ ચેટ, કોલ ડીટેલ્સ સહિતના ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ કરતા મુંબઈના દહિસર ઈસ્ટ વિસ્તારમાં રહેતા ઉમેશ છગનભાઈ પટેલની સંડોવણી સામે આવી હતી. ત્યારબાદ પોલીસ ટીમે મુંબઈ જઈ આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી વીવો કંપનીનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. આરોપી સામે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સામે નવસારી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ સમાન પ્રકારનો ગુનો નોંધાયેલ છે. ઉપરાંત આરોપીના બેંક ખાતા અને કંપની સાથે દેશભરમાં કુલ 38 ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે પ્રજાજનોને અપીલ કરી છે કે “ઘરે બેઠા લાખો કમાવો”, “ડબલ પૈસા” અથવા “100% ગેરંટી પ્રોફિટ” જેવી લાલચ આપતા મેસેજ, Telegram ગ્રુપ અને ફેક ટ્રેડિંગ એપ્સથી સાવધાન રહેવું. કોઈ અજાણી લિંક, એપ અથવા વેબસાઇટમાં રોકાણ ન કરવું અને કોઈ પણ OTP, UPI PIN કે બેંક વિગતો શેર ન કરવી.

સાયબર ફ્રોડની શંકા થાય તો તરત જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande