
ભાવનગર, 28 મે (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી માટે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં બહુમતીના આધારે ભાજપના ઉષાબેન તલરેજાની મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારૈયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશનભાઈ મહેતા, શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા તથા દંડક તરીકે રીંકુબેન સુરેશભાઈ માંગુકિયાની નિમણૂક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોની જાહેરાત બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હારતોળા કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને જીતની ખુશી વ્યક્ત કરી હતી.
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં કિશનભાઈ મહેતા (ચેરમેન), ઉપેન્દ્રસિંહ ચુડાસમા, દિપ્તીબેન ધારૈયા, સંજયકુમાર બારૈયા, શીતલબેન જોષી, રાજેશભાઈ રાબડીયા, વર્ષાબા પરમાર, મનીષ અડવાણી, જશવંતસિંહ ગોહિલ, બળદેવસિંહ ચુડાસમા અને પરેશભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 51 બેઠકોમાંથી ભાજપે 44 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસને 8 બેઠકો પ્રાપ્ત થઈ હતી. ભાજપ સતત સાતમી ટર્મ માટે ભાવનગર મહાનગરપાલિકામાં સત્તા સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે. નવા હોદ્દેદારોની વરણી બાદ શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA