
સલવાવ, 28 મે (હિ.સ.) વાપીના સલવાવ ગામમાંથી પસાર થતી દમણગંગા સિંચાઈ વિભાગની નહેર ઉપર કેટલાક ઇસમો દ્વારા દબાણ કરી પાકા મકાનો બાંધવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકોમાં ઉઠ્યા છે. જેના કારણે નહેર મારફતે ખેડૂતો સુધી પહોંચતું સિંચાઈનું પાણી પ્રભાવિત થતું હોવાનું લોકો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, એક વર્ષ અગાઉ વાપી મહાનગરપાલિકામાં ભેળવાયેલા ૧૧ ગામોમાં સમાવિષ્ટ સલવાવ ગામના બુઢાના ફળિયા વિસ્તારમાં નહેર ઉપર કેટલાક લોકોએ પાકા બાંધકામો ઊભા કરી દબાણ કર્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ નહેર બલીઠાના બાપા સીતારામ વિસ્તાર સુધી જાય છે અને આસપાસના ખેડૂતો માટે સિંચાઈનું મહત્વપૂર્ણ સાધન ગણાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નહેર ઉપર થયેલા દબાણોને કારણે પાણીનો પ્રવાહ પ્રભાવિત થયો છે. પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી અને તેઓ માત્ર ચોમાસા દરમિયાન ડાંગરનો પાક લેવા મજબૂર બન્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિસ્તારમાં આડેધડ બાંધકામો પણ કરવામાં આવ્યા છે. કેટલાક લોકોએ રસ્તા બનાવવા માટે નહેરમાં પાણીની પાઈપલાઈન નાંખી આસપાસ પુરાણ કરી બંને તરફ રસ્તા બનાવી દીધા હોવાનું પણ સામે આવ્યું છે.
સ્થાનિક લોકોએ દમણગંગા સિંચાઈ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરી નહેર ઉપરના દબાણો દૂર કરે તેમજ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha