ખાંભા સિવિલ હોસ્પિટલમાં સાત ફૂટનો મહાકાય અજગર દેખાતા અફરાતફરી, રેસ્ક્યુ કરી જંગલમાં છોડાયો
અમરેલી, 28 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખાંભા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સાત ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક વનવિભાગ અને સર્પમિત્રોને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી
ખાંભા સિવિલ હોસ્પિટલમાં સાત ફૂટનો મહાકાય અજગર દેખાતા અફરાતફરી, રેસ્ક્યુ કરી જંગલમાં છોડાયો


અમરેલી, 28 મે (હિ.સ.) : અમરેલી જિલ્લાના ખાંભા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સાત ફૂટ લાંબો મહાકાય અજગર દેખાતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક વનવિભાગ અને સર્પમિત્રોને જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ હોસ્પિટલના એક ભાગમાં અચાનક વિશાળ અજગર દેખાતા કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનો પણ ભયભીત બન્યા હતા. બાદમાં સર્પમિત્રોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ અંદાજે સાત ફૂટ લાંબા અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

રેસ્ક્યુ દરમિયાન હોસ્પિટલ વિસ્તારમાં લોકોના ટોળા એકત્ર થયા હતા. સર્પમિત્રોએ લોકોને અજગરથી દૂર રહેવા તેમજ ગભરાટ ન ફેલાવવા અપીલ કરી હતી. અજગરને કોઈ ઇજા પહોંચાડ્યા વગર પકડી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ વનવિભાગની સૂચના મુજબ અજગરને નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો. સર્પમિત્રોએ જણાવ્યું હતું કે વરસાદી માહોલ અને ગરમીના કારણે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. આવી સ્થિતિમાં લોકો અજાણતા પ્રાણીઓને નુકસાન ન પહોંચાડે અને તાત્કાલિક રેસ્ક્યુ ટીમને જાણ કરે તે જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande