ભાવનગર જિલ્લાના યુવકને વન્યજીવન પ્રત્યેના પ્રેમે અપાવી અનોખી ઓળખ
ભાવનગર, 28 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરીયાળી ગામે રહેતા વાઘેલા અરવિંદભાઈ ભરતભાઈ આજે સમગ્ર ગુજરાતમાં પ્રકૃતિપ્રેમી કવિ, લેખક, નેચરલિસ્ટ, વન્યજીવ નિષ્ણાંત, રેસ્ક્યુયર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે
ભાવનગર


ભાવનગર, 28 મે (હિ.સ.) : ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરીયાળી ગામે રહેતા વાઘેલા અરવિંદભાઈ ભરતભાઈ આજે સમગ્ર ગુજરાતમાં પ્રકૃતિપ્રેમી કવિ, લેખક, નેચરલિસ્ટ, વન્યજીવ નિષ્ણાંત, રેસ્ક્યુયર અને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. પ્રકૃતિના અનેરા સૌંદર્યથી ઘેરાયેલું તેમનું ગામ હાલ સિંહના નવા ઘર તરીકે ઓળખાઈ રહ્યું છે અને એ જ ધરતીએ અરવિંદભાઈને પ્રકૃતિ સાથે જોડાયેલા એક સંવેદનશીલ સર્જક તરીકે ઘડ્યા છે.

અરવિંદભાઈના પિતા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ગામડાના કુદરતી વાતાવરણમાં ઉછરેલા અરવિંદભાઈને બાળપણથી જ પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યે વિશેષ લગાવ હતો. નાનપણથી જ તેઓ જંગલ, પક્ષીઓ અને પ્રાણીઓ વિશે વાંચન કરતા અને ત્યારબાદ પોતાના વિચારોને લેખ તથા કવિતાના સ્વરૂપમાં વ્યક્ત કરતા. તેઓ લખતા-વાંચતા શીખ્યા ત્યારથી જ વન્યજીવો અંગે અલગ અલગ લેખ તૈયાર કરતા આવ્યા છે. તેમની રચનાઓ આજે અનેક અખબારો, મેગેઝીનો અને સામાયિકોમાં પ્રસિદ્ધ થતી રહે છે. નલિન નામથી પણ તેઓ લોકોમાં જાણીતા બન્યા છે.

અરવિંદભાઈએ એશિયાટિક સિંહ પર આધારિત સત્ય ઘટના પરથી પોતાની પ્રથમ નવલકથા લખી હતી, જેનું વર્ષ 2019માં વિમોચન કરવામાં આવ્યું હતું. આ નવલકથાને વિશેષ પ્રતિસાદ મળ્યો હતો અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ તેનું સ્થાન નોંધાયું હતું.આ ઉપરાંત તેમણે દીપડા સહિતના વન્યજીવો પર પણ પુસ્તકો લખ્યા છે, જેને વાચકો દ્વારા સરાહના મળી રહી છે.પ્રકૃતિ અને સાહિત્ય ક્ષેત્રે કરેલા તેમના યોગદાનને માન આપી તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

હાલમાં જ આ યુવકને ગુજરાત ગૌરવ એવોર્ડ-2026 આપવામાં આવ્યો છે આ ઉપરાંત ઈન્ડિયા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ, વિશ્વ સિંહ દિવસ નિમિત્તે “બેસ્ટ સિંહ સ્ટોરી”માં પ્રથમ ક્રમ જેવા સન્માનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તેમને કુલ 14 શુભેચ્છા સંદેશ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. વનમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ તેમને શુભેચ્છા સંદેશ પ્રમાણપત્રો મળ્યા છે. સાથે સાથે વન વિભાગ દ્વારા પણ અનેક પ્રમાણપત્રો અને સન્માનોથી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.ગામડાની માટી સાથે જોડાયેલા રહી પ્રકૃતિ અને વન્યજીવો માટે અવિરત કાર્ય કરનાર અરવિંદભાઈ વાઘેલા આજે યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande