


-મહિલાઓના ખરીદેલા વાળ ઘૂંચ વેચવાના બહાને બંધ મકાનો ટાર્ગેટ કરતા હતા
-ઉમલ્લા અને અછાલિયા ગામની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો 25 હજારનો મુદ્દામાલ જપ્ત
-અંકલેશ્વરના બકરા બજારમાંથી બે રીઢા તસ્કરોને દબોચી લેતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભરૂચ 29 મે (હિ.સ.) ભરૂચ જિલ્લામાં વધી રહેલી ઘરફોડ ચોરીના ગુનાઓ ડામી દેવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાલા અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પાણમિયાના માર્ગદર્શનમાં એલ.સી.બી.ની ટીમો કાર્યરત હતી. તે દરમિયાન ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના ફીચવાડા ગામે ગત તા. 14/15 મે 2026ની રાત્રિએ અજાણ્યા તસ્કરોએ ઘરની બારી વાટે પ્રવેશી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 25 લાખની મતાની ચોરી કરી હતી. ત્યારબાદ અછાલિયા ગામે પણ આવી જ ચોરીની ઘટના બની હતી.
આ ગુનાઓની ગંભીરતા જોઈ એલ.સી.બી.ની ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ તેજ કરી હતી. ટેકનિકલ એનાલિસિસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, સીઝનમાં આંબાની વાડી રાખીને રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના બે શખ્સો આ ચોરીમાં શંકાસ્પદ છે અને તેઓ હાલ અંકલેશ્વરના બકરા બજારમાં ફરી રહ્યા છે. જેથી બાતમીવાળી જગ્યાએથી પોલીસે ઘેરો ઘાલી બંને શખ્સોને દબોચી લીધા હતા. ભરૂચ એલ.સી.બી. કચેરી ખાતે લાવી આગવી ઢબે પૂછપરછ કરતા બંને ભાંગી પડ્યા હતા અને ચોરીની કબૂલાત કરી હતી.
ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી હતી
પકડાયેલા આરોપીઓ ઉનાળામાં કેરીની સીઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આંબાની વાડીઓ ભાગમાં રાખતા હોવાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.દિવસ દરમિયાન રેકી કરતા આરોપીઓ દિવસ દરમિયાન બાઇક લઈને ગામડાઓમાં મહિલાઓના ખરીદેલા વાળ (ઘૂંચ) વેચવા કે ખરીદવાના બહાને નીકળતા હતા. આ દરમિયાન કયા બંધ મકાનમાં ચોરી કરવી સરળ રહેશે તેની રેકી કરતા હતા.
રાત્રે ડી.જે.ના અવાજનો લાભ લીધો હતો. અછાલિયા ગામે ચોરી કરતી વખતે બાજુના ગામમાં પ્રસંગ હોવાથી ડી.જે.નો મોટો અવાજ આવતો હતો. તસ્કરોએ આ અવાજનો લાભ ઉઠાવી મકાનની પાછળના ભાગે દરવાજામાં કાણાં પાડી નકુચો તોડી નાખ્યો હતો, જેથી આસપાસના લોકોને અવાજ ન સંભળાય. ચોરીનો માલ પત્નીઓને વહેંચી દીધો હતો ચોરી કર્યા બાદ રોકડા રૂપિયા વહેંચી લીધા હતા અને સોના-ચાંદીના દાગીના પોતપોતાની પત્નીઓને આપી દઈ વહેંચી દેવા જણાવ્યું હતું.
ઝડપાયેલા આરોપીઓ
1. દિનેશ મનજી પટેલિયા (ઉં.વ.36)
હાલ રહેવાસી: ભુભલી ગામ, રામદેવપીર નગર, રામાપીર મંદિર પાછળ, ઘોઘા પોલીસ સ્ટેશન પાસે, તા.જિ. ભાવનગર.
2. ખાટા બાલા વાઘેલા (ઉં.વ.50)
હાલ રહેવાસી: દઢાલ ગામની વાડીમાં, તા.અંકલેશ્વર, જિ.ભરૂચ. મૂળ રહેવાસી: ખાંટસુરા ગામ, તા.મહુવા, જિ.ભાવનગર.
કબ્જે કરેલો મુદ્દામાલ
પોલીસે પકડાયેલા આરોપીઓની ઝડતી કરતા નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કર્યો છે
રોકડા રૂપિયા: 22220/-
મોબાઈલ ફોન (નંગ-02): કિંમત ₹3500/-
વાંદરી પાનું (નંગ-01): કિંમત ૦૦/- (ચોરીમાં વપરાતું સાધન)
કુલ મુદ્દામાલ કિંમત: 25720/-
ભૂતકાળના ગુનાઓની પણ કબૂલાત
પકડાયેલા રીઢા તસ્કરોએ કબૂલાત કરી છે કે તેઓએ અગાઉ વર્ષ 2021માં કેરીની સીઝન દરમિયાન ઉમલ્લાના અછાલિયા તથા રાજપારડીના પ્રાંકડ ગામે રાત્રિના સમયે બે મકાનોમાં ચોરી કરી હતી. તેમજ વર્ષ 2022માં શિયાળાની સીઝનમાં રાજપારડીના સારસા ગામે તથા નવા તોઢીદરા ગામે બે મકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ આરોપીઓ (1) જાદવ સોડા પરમાર (રહે. ખોલવડ, કામરેજ, સુરત) (2) ગોવિંદ મૂળજી મકવાણા રહે કોસાડ આવાસ સાયણ રોડ અમરોલી સુરત (3) માયાબેન દિનેશ પટેલીયા રહે ભુભલી ( 4) કાંતાબેન ખાટા વાઘેલા રહે દઢાલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ