અભયમ 181ના સમયસર હસ્તક્ષેપથી ઘરેલુ હિંસાનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો
વલસાડ, 29 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના એક ગામમાં અભયમ 181 મહિલા હેલ્પલાઈનના સમયસર હસ્તક્ષેપથી ઘરેલુ હિંસાનો ગંભીર વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો. પીડિત મહિલા અને તેમની દીકરીએ અભયમ 181 પર કોલ કરીને પતિ દ્વારા સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં
મહિલા હેલ્પલાઇન નંબર


વલસાડ, 29 મે (હિ.સ.) : વલસાડ જિલ્લાના એક ગામમાં અભયમ 181 મહિલા હેલ્પલાઈનના સમયસર હસ્તક્ષેપથી ઘરેલુ હિંસાનો ગંભીર વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલાયો હતો. પીડિત મહિલા અને તેમની દીકરીએ અભયમ 181 પર કોલ કરીને પતિ દ્વારા સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

માહિતી મળતાં જ અભયમ 181ની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પતિ સહિત બંને પક્ષોને હાજર રાખી કાયદેસર કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પીડિતા મજૂરી કરીને ઘર નિર્માણ માટે લેવામાં આવેલી લોનના હપ્તા ચૂકવતી હતી, જ્યારે પતિ વ્યસનની લતના કારણે પરિવાર પ્રત્યે પોતાની જવાબદારીઓ નિભાવતો ન હતો. દીકરીના અભ્યાસ અને કોલેજ ફી માટે પણ પતિ સહયોગ આપતો ન હતો તેમજ પત્નીને વારંવાર મારઝૂડ કરી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપતો હતો. ઘરખર્ચ અને ભોજન બાબતે પણ ભેદભાવ રાખવામાં આવતો હતો, જેના કારણે પરિવારિક વાતાવરણ તંગ બન્યું હતું.

અભયમ 181 ટીમે પતિને સમજાવ્યું હતું કે પત્ની અને સંતાનોને શારીરિક કે માનસિક ત્રાસ આપવો કાયદેસર ગુનો છે તેમજ તેમના ભરણપોષણ, સુરક્ષા અને શિક્ષણની જવાબદારી પિતાની કાયદેસર ફરજ છે. કાઉન્સેલિંગ દરમિયાન પરિવારિક વિવાદોનો ઉકેલ હિંસાથી નહીં પરંતુ સમજણ અને સંવાદથી લાવવાની જરૂરિયાત અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગના અંતે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. પતિએ ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો ત્રાસ ન આપવાની, ઘરખર્ચમાં સહયોગ કરવાની, દીકરીની કોલેજ ફી ભરવાની, વ્યસન છોડવાના પ્રયાસો કરવાની તેમજ પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રાખવાની ખાતરી આપી હતી.

અભયમ 181 મહિલા હેલ્પલાઈન વલસાડ ટીમની સંવેદનશીલ કામગીરી અને અસરકારક કાઉન્સેલિંગના કારણે પરિવારનો માળો વિખેરાતો બચ્યો હતો અને વિવાદનો સુખદ અંત આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande