


- પ્રેમસંબંધના એંગલથી તપાસ દરમિયાન પિરામણ ગામના યુવક સંજય વસાવાની અટકાયત
ભરૂચ, 29 મે (હિ.સ.) : અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં બહુચર્ચિત કાંતિલાલ નામના વ્યક્તિની હત્યાના કેસમાં અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. મૃતકની પિતરાઈ ભાઈની વિધવા પત્નીએ જ પોતાના વર્તમાન પ્રેમી સાથે મળીને આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મૃતક કાંતિલાલને છેલ્લા આઠ વર્ષથી તલાવીયાવાડ વિસ્તારમાં રહેતી તેમની સગા કાકાના દીકરાની વિધવા પત્ની જ્યોતિ રાઠોડ સાથે પ્રેમસંબંધ હતો. આ ગેરકાયદેસર સંબંધોને કારણે અગાઉ પણ પરિવારના સભ્યો વચ્ચે ભારે વિખવાદ અને મોટો વિવાદ થયો હતો. કૌટુંબિક ઝઘડા અને આ સંબંધોના કારણે સર્જાયેલી અદાવતે આખરે હત્યાનું હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું.મૂળ રાજકોટના અને હાલ અંકલેશ્વરના નવા બોરભાઠા ગામે રહેતા કાંતીલાલ ઉર્ફે મુકેશ મોભેરા અંકલેશ્વરમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પત્ની ભારતીબેન જ્યોતિ ટોકીઝ પાસે ફૂલ અને કેળાની લારી ચલાવે છે.
પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જ્યોતિ રાઠોડને કાંતિલાલ સિવાય પીરામણ ગામમાં રહેતા સંજય વસાવા નામના યુવક સાથે પણ પ્રેમસંબંધ બંધાયો હતો. કાંતિલાલ આ આડા સંબંધોમાં અવરોધરૂપ બનતો હોવાથી, જ્યોતિ રાઠોડ અને તેના હાલના પ્રેમી સંજય વસાવાએ સાથે મળીને કાંતિલાલને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યાની ઘાતકી સાજિશ રચી હતી અને તક મળતા જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
એ-ડિવિઝન પોલીસનો સપાટો પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ.આ મામલે અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસે ભારે મુત્સદ્દીગીરી વાપરીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને બંને આરોપીઓ—જ્યોતિ રાઠોડ અને સંજય વસાવાને દબોચી લીધા છે. હાલમાં પોલીસ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. હત્યામાં કયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હથિયાર રિકવર કરવા સહિત ઘટનાસ્થળના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાયદેસરની કાર્યવાહી પોલીસે તેજ કરી દીધી છે. ટૂંક સમયમાં જ પોલીસ બંને આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ