
સુરત, 29 મે (હિ.સ.) : શહેરમાં એમડી ડ્રગ્સ, ગાંજો,દારૂ સહિતના નશાની બધી યથાવત છે, ત્યારે લીંબાયત પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસ દ્વારા લીંબાયત વિસ્તારમાંથી નશાની ટેબ્લેટ વેચનાર એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલુંજ નહીં બે દિવસ પહેલા નશાની ટેબ્લેટ સાથે પકડાયેલા આરોપી દ્વારા પોલીસ આ મુખ્ય સૂત્રધાર મહિલા આરોપી સુધી પહોંચી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબાયત પોલીસે બે દિવસ પહેલા મીઠીખાડી ખાતે આવેલ આઝાદ ચોકમાંથી નશાકારક 70 જેટલી ટેબ્લેટ સાથે આરોપી રઈસ શાહની ધરપકડ કરી હતી. ત્યારબાદ આ આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમ્યાન આરોપીએ આ ટેબ્લેટનો જથ્થો તેને લીંબાયતમાં રહેતી આફ્રીન નામની મહિલાએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે મુખ્ય સુત્રધારની શોધખોળ હાથ ધરી હતી અને અંતે ગણતરીના કલાકોમાં જ પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી આફ્રીન વસીમ સૈયદ ( રહે. આઝાદ ચોક, મીઠીખાડી, લીંબાયત ) ની ધરપકડ કરી લીધી અને આ નશાકારક ટેબ્લેટ વેચવાના નેટવર્કને તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે