

પાટણ, 29 મે (હિ.સ.) : પાટણના નાગર લીમડી વિસ્તારમાં આવેલા વેરાઈ માતાના મંદિરે પવિત્ર અધિક માસ નિમિત્તે સિનિયર સિટીઝનો દ્વારા વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ચાલી આવતી આ ભક્તિમય પરંપરામાં સ્થાનિક વડીલો દરરોજ ભેગા મળી ભગવાન પુરુષોત્તમની આરાધના કરે છે. અધિક માસ દરમિયાન મંદિરમાં ધાર્મિક માહોલ સર્જાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી રહ્યા છે.
આ આયોજનની શરૂઆત બે થી ત્રણ વર્ષ પહેલા થઈ હતી અને ત્યારથી તે નિયમિત રીતે ચાલુ છે. સિનિયર સિટીઝનો સમૂહમાં પૂજા, પાઠ અને વિવિધ ધાર્મિક વિધિઓમાં જોડાઈ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. અધિક માસના મહત્વને જાળવી રાખવા સાથે લોકોમાં સકારાત્મકતા અને સંસ્કારનું સંવર્ધન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન ભગવાન કૃષ્ણ અને રાધાકૃષ્ણના જીવનમૂલ્યો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાંથી ક્રોધ, ભય અને અહંકાર જેવા દુર્ગુણોને દૂર કરી પરસ્પર પ્રેમ અને ભાઈચારાની ભાવના વધારવાનો છે. પૂજામાં જોડાયેલા વડીલોએ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તેવી પ્રાર્થના પણ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ