



પોરબંદર, 29 મે (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડિઝાસ્ટર સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર મનિષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મેયરએ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને વોર્ડ એન્જિનિયરો સાથે પરિચય બેઠક યોજી શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલા વિકાસકાર્યો અંગે માહિતી મેળવી હતી. શહેરમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસકાર્યો જેમ કે એમ.ઈ.એમ. સ્કૂલ, સ્ટેટ લાઈબ્રેરી, નવી લાઈબ્રેરી, સ્મશાનભૂમિ વિકાસ, ગાર્ડન સુવિધાઓ, સ્ટ્રીટલાઈટ વ્યવસ્થા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને ખાપટ વોર્ડ ઓફિસ, રોડ રસ્તા સહિતના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. મેયરએ તમામ એન્જિનિયરોને પોતાના વિસ્તારમાં કોર્પોરેટરોના સંકલન સાથે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. ઉપરાંત નાગરિકો તરફથી મહાનગરપાલિકામાં દરરોજ નોંધાતી ફરિયાદોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મેયરએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોની ફરિયાદોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે અધિકારીઓએ વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે. ચોમાસા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે જર્જરીત અને જોખમી મકાનો અંગે વિશેષ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે દરેક વોર્ડમાં યોગ્ય પૂર્વ તૈયારી કરવામાં આવે, ક્યાંય પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય અને ડ્રેનેજ વ્યવસ્થા સક્રિય રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી. મેયર સાગરભાઈ મોદીએ દરેક વોર્ડ એન્જિનિયરને પોતાના વિસ્તારમાં નિયમિત મોનીટરીંગ કરી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ પણ તમામ એન્જિનિયરોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સક્રિયતા અને જવાબદારી સાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું. બેઠકમાં શહેરના વિકાસકાર્યોને વધુ ગતિ આપવા તેમજ ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya