એપલના નામે નકલી માલનું વેચાણ: વાપીમાં ચાર દુકાનો પર પોલીસનો દરોડો
વાપી, 29 મે (હિ.સ.) : વાપી શહેરમાં જાણીતી મોબાઇલ બ્રાન્ડ એપલ (Apple)ના નામે ડુપ્લિકેટ અને નકલી એસેસરીઝ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બ્રાન્ડ અને કૉપીરાઇટના રક્ષણ માટે કાર્યરત મુંબઈ સ્થિત સંસ્થાના રિજનલ મેનેજર સુનિલભાઈ મહેન્દ્રલાલ વોરાને મળેલી ચ
પ્રતિકાત્મક તસ્વીર


વાપી, 29 મે (હિ.સ.) : વાપી શહેરમાં જાણીતી મોબાઇલ બ્રાન્ડ એપલ (Apple)ના નામે ડુપ્લિકેટ અને નકલી એસેસરીઝ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. બ્રાન્ડ અને કૉપીરાઇટના રક્ષણ માટે કાર્યરત મુંબઈ સ્થિત સંસ્થાના રિજનલ મેનેજર સુનિલભાઈ મહેન્દ્રલાલ વોરાને મળેલી ચોક્કસ માહિતીના આધારે વાપી ટાઉન પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માહિતીના આધારે શહેરની ચાર અલગ-અલગ મોબાઇલ દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

દરોડા દરમિયાન પોલીસે એપલ કંપનીના લોગો ધરાવતા ડુપ્લિકેટ ચાર્જર એડેપ્ટર, ઈયરફોન, યુએસબી કેબલ, બેટરી તેમજ મોબાઇલ બેક કવર સહિતની નકલી એસેસરીઝ જપ્ત કરી હતી. કુલ રૂ. 3.06 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સામગ્રી ગ્રાહકોને અસલી માલ તરીકે વેચવામાં આવતી હતી, જેના કારણે ગ્રાહકો સાથે છેતરપિંડી થવાની શક્યતા હતી અને બ્રાન્ડની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચી રહ્યું હતું.

આ મામલે પોલીસે કૉપીરાઇટ એક્ટ અને ટ્રેડમાર્ક સંબંધિત જોગવાઈઓ હેઠળ ચાર વેપારીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં જગદીશ માંગીલાલ ચૌધરી (સદ્દગુરૂ મોબાઇલ, ગીતાનગર), ભાગસિંહ રામસિંહ રાજપૂત (ન્યુ મુંબઈ ચાઇના આઇટમ્સ), દેવીલાલ વચનરામ મોદી (એમ.કે. મોબાઇલ સ્ટોર) અને જયમ ભરત ભાનુશાલી (યુનિયન જસ્ટ ટેલિકોમ)નો સમાવેશ થાય છે.

પોલીસની આ કાર્યવાહી બાદ શહેરના મોબાઇલ વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. ગ્રાહકોને પણ સસ્તા ભાવની લાલચમાં ન આવી અસલી અને નકલી વસ્તુઓની ઓળખ કરી ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે આવા ગુનાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande