
સુરત, 29 મે (હિ.સ.) શહેરના અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આજે વહેલી સવારે મોબાઈલ અને મની ટ્રાન્સફરની દુકાનમાં આગ લાગી ગઈ હતી.આ ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.ઘટના અંગે જાણ કરવામાં આવતા બે ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ગોથાણ રોડ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ગણેશ નામની મોબાઈલ અને મની ટ્રાન્સફરની દુકાન આવેલી છે.દરમ્યાન આજે વહેલી સવારે 7 વાગ્યે દુકાનમાં આગ લાગી ગઈ હતી અને બહાર સુધી ઘુમાડો દેખાવવા લાગ્યો હતો.ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી.પરિસ્થિતિ જોઈને ફાયર કન્ટ્રોલને જાણ કરવામાં આવી હતી જેથી કોસાડ અને મોટા વરાછા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી,એટલું જ નહીં ફાયરના જવાનોએ ગણતરીની મિનિટોમાં જ આગને સંપૂર્ણપણે કાબુમાં કરી લીધી હતી અને વધુ પ્રસરે તે પહેલા ઓલવી દીધી હતી.
વધુમાં સબ ફાયર ઓફિસર મારૂતિ સોનવણે જણાવ્યું હતું કે સવારે દુકાનદાર મોબાઇલની દુકાન ખોલવા ગયો ત્યારે ઘૂમાડો નીકળી રહ્યો હતો અને આગ લાગેલી હતી.અમારી ટીમે ગણતરીની મિનિટોમાં જ આગ બુઝાવી દીધી હતી.આગને કારણે દુકાનમાં રહેલી મોબાઈલના ઈયર ફોન,કવર સહિતની એસેસરીઝ બળી ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે