



પાટણ, 29 મે (હિ.સ.) : પાટણમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટ, સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને પાટણ કર્મકાંડી બ્રાહ્મણ સંગઠનના સંયુક્ત ઉપક્રમે નગરપાલિકાના નવનિયુક્ત સદસ્યોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત તમામ પક્ષોના ચૂંટાયેલા સભ્યોને એક મંચ પર આમંત્રિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સામાજિક એકતા અને સૌહાર્દનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન પિયુષભાઈ આચાર્ય દ્વારા તમામ સદસ્યોને ‘સનાતન સંસ્કૃતિના પ્રતીકો’ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ખેશ પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિઓ પાટણના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરે અને સનાતની મૂલ્યો સાથે લોકસેવાનો સંકલ્પ લે તેવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં બ્રાહ્મણ સમાજ ઉપરાંત શહેરના વિવિધ સમાજના આગેવાનો અને અગ્રણી વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશુતોષ પાઠકે સંભાળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજકીય ભેદભાવથી ઉપર ઉઠીને સમાજહિત અને વિકાસના માર્ગે સાથે મળીને કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ