

કચ્છ, 29 મે (હિ.સ.) : પૂર્વ કચ્છના ભચાઉ વિસ્તારમાં પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બને તેવા પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે. “પોલીસ પ્રજાની મિત્ર” છે તે સૂત્રને વાસ્તવિક રૂપ આપતી ભચાઉ પોલીસ દ્વારા ફરી એકવાર સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. “તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી તેમના અસલ માલિકોને પરત સોંપવામાં આવતા અરજદારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.
ગુજરાત પોલીસના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા આધુનિક ટેક્નોલોજી અને CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઇલ ફોન શોધવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ મહાનિર્દેશકના માર્ગદર્શન સાથે સરહદી બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના સૂચન અનુસાર પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધે તે માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી. ઝાલાએ આ કામગીરીમાં વ્યક્તિગત રસ દાખવી અલગ-અલગ ટેકનિકલ સોર્સ અને CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલા મોબાઇલ ફોનની વિગતોનું સતત મોનિટરિંગ કરાવ્યું હતું. ગુમ થયેલા મોબાઇલ શોધવા માટે એક સુનિયોજિત એકશન પ્લાન તૈયાર કરી કામગીરી આગળ વધારવામાં આવી હતી.
આ અભિયાન દરમિયાન કુલ પાંચ મોબાઇલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હતી, જેમની કુલ કિંમત અંદાજે રૂ. 1.58 લાખ જેટલી થાય છે. ભચાઉ પોલીસ દ્વારા શોધી કાઢેલા આ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવતા અરજદારોમાં રાહત અને આનંદની લાગણી જોવા મળી હતી. સાથે જ લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
આ સમગ્ર કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર તથા સ્ટાફની ટીમ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ગુમ થયેલી કિંમતી વસ્તુઓ પરત અપાવી લોકોનું આર્થિક નુકસાન અટકાવવાની સાથે પોલીસની માનવતાભરી કામગીરી ફરી એકવાર ઉજાગર થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar